કરણ જોહરે બનાવેલી અને શાહરુખ ખાન, રાણી મુખર્જી, પ્રીતિ ઝિન્ટા તથા અભિષેક બચ્ચન સહિતના કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ પરથી વેબ સીરિઝ બનવાની છે. ખુદ કરણ જોહરે આ અંગે કહ્યું હતું કે આ ફિલ્મ માટે વિરોધાભાસી અભિપ્રાયો મળ્યા હતા. હવે આ ફિલ્મને એક લાંબાં ફોર્મેટની સીરિઝમાં રુપાંતરિત કરાશે. 2006માં રજૂ થયેલી આ ફિલ્મ દ્વારા લગ્નેતર સંબંધોને ઉત્તેજન આપી તેને વાજબી ઠેરવવા પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ થયા હતા. બીજી તરફ કેટલાકે એમ કહ્યું હતું કે લગ્નજીવનમાં બે પાત્રો એકબીજા સાથે તાલમેલ ન બેસાડી શકતાં હોય તેવા સમયે ત્રીજાં પાત્ર તરફ ઢળે તે વાત કરણ જોહરે સંવેદનશીલતા - ગંભીરતા સાથે રજૂ કરી છે.


