ટીવી જગતની અક્ષરા અર્થાત જાણીતી અભિનેત્રી હિના ખાન કાશ્મીરની વતની છે, અને પહલગામમાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકો માટે ખૂબ દુઃખી છે. અભિનેત્રી પોતે મુસ્લિમ ધર્મી છે અને મુસ્લિમ હોવાને નાતે તેણે તમામ હિંદુ, ભારતીયોની આતંકવાદી હુમલા બદલ માફી માંગી છે. આતંકવાદી હુમલાના થોડા દિવસ પહેલાં જ હિના ખાન કાશ્મીરમાં હતી અને કાશ્મીરની સુંદર તસવીરો પ્રશંસકો માટે શેર કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ મૂકીને હિના ખાને પોતાનો આક્રોશ ઠાલવીને આજના કાશ્મીરની હકીકતને બયાં કરી છે. દુઃખને શબ્દોમાં વર્ણવતાં હિના ખાને લખ્યું છે કે, ‘આ એક કાળો દિવસ છે. મારી આંખો ભીની થઈ ગઈ છે અને હૃદય ખૂબ ભારે થઇ ગયું છે. એક મુસ્લિમ હોવાને નાતે વાસ્તવમાં જે થયું તેનો સ્વીકાર ના કરીએ તો પછી બધું નકામું છે. બ્રેઇનવોશ આતંકવાદીઓએ જે અમાનવીય રીતે ઘટનાને અંજામ આપ્યો છે તે ભયાવહ છે. હું કલ્પના નથી કરી શકતી કે કોઈક મુસ્લિમને બંદૂકની અણીએ ધર્મપરિવર્તન માટે મજબૂર કરાયો હોય અને પછી તેને મારી નાખવામાં આવ્યો હોય. મારું હૃદય તૂટી ગયું છે. પહલગામમાં જે થયું તેને હું ભૂલી નથી શકતી. તે ઘટનાનો પ્રભાવ મારા પર અને મારી મનોસ્થિતિ પર પડયો છે. જેમણે સ્વજનોને ગુમાવ્યા છે તે બધા માટે દર્દ છે. હું પ્રાર્થના કરી રહી છું કે તેમને દુઃખ સહેવાની શક્તિ મળે. તે આત્માઓ માટે પ્રાર્થના કરી રહી છું કે જેમને આપણે ગુમાવી દીધા છે.’ હિના ખાને એમ પણ લખ્યું કે, ‘જેમણે આવું કર્યું તે ભલે ગમે તે ધર્મના હોય, પરંતુ મારા માટે તેઓ માનવી નથી. કેટલાક મુસ્લિમોએ કરેલા કૃત્ય બદલ હું શરમ અનુભવું છું.’