હૃતિક – કંગના વિવાદમાં વળાંકઃ જાવેદ અખ્તરની કંગના સામે બદનક્ષી દાખલ

Monday 09th November 2020 07:02 EST
 
 

ફિલ્મ લેખક - ગીતકાર જાવેદ અખ્તરે કંગના રણૌતની વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. કંગનાએ આ પહેલા દાવો કર્યો હતો કે, જાવેદ અખ્તરે ઘરે બોલાવીને તેને ધમકાવી હતી અને હૃતિક રોશનની માફી માગવા દબાણ કર્યું હતું. જાવેદે કંગનાના આ નિવેદન સામે વાંધો ઉઠાવીને કંગના સામે કાયદેસર પગલાં લીધાં છે. કંગનાની બહેન અને મેનજર રંગોલી ચંદેલે લગભગ આઠ મહિના પહેલાં એક ટ્વિટમાં લખ્યું હતું કે, જાવેદ અખ્તરજીએ કંગનાને ઘરે બોલાવીને ધમકી આપી હતી કે, તે હૃતિક રોશનની માફી માગી લે. આ સાથે મહેશ ભટ્ટ પર આક્ષેપ થયો હતો કે, તેમની ફિલ્મમાં સુસાઈડ બોમ્બરનો રોલ ભજવવાની કંગનાએ ના પાડતાં મહેશ ભટ્ટે કંગના પર ચંપલ ફેંક્યું હતું. આ પછી જાવેદ અખ્તરે કંગનાને ક્યારેય ધમકાવી ન હોવાનું જણાવીને તેના પર બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી.

કંગના રણૌત આ ઉપરાંત સુશાંતસિંહના મૃત્યુ કેસ સહિતના કેટલાક વિવાદાસ્પદ નિવેદનોનાં કારણે કાયદેસર કાર્યવાહીમાં સંડોવાઈ છે.

‘મારાં તૂટેલાં સપનાં આજે સ્મિત કરી રહ્યાં છે’

કંગના રણૌતે દશેરા માટે સજાવવામાં આવેલી મુંબઈમાં સ્થિત તેની ઓફિસની કેટલીક તસવીરોને સોશિયલ મીડિયા પર તાજેતરમાં રજૂ કરી હતી. સપ્ટેમ્બરમાં શિવસેના અને કંગના વચ્ચેની શાબ્દિક લડાઈના પગલે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઓફિસને આંશિક રીતે તોડી પાડવામાં આવી હતી. આ તસવીરોને ટ્વિટર પર રજૂ કરતી વખતે કંગનાએ લખ્યું હતું કે, સંજય રાઉત, મારા તૂટેલાં સપનાં તમારા ચહેરા સમક્ષ સ્મિત કરી રહ્યા છે. પપ્પુ સેના મારું ઘર તોડી શકે છે, મારો આત્મા નહીં. બંગલા નંબર ૫ આજે આસુરી વૃત્તિ વિરુદ્ધ દૈવી શક્તિની જીતની ઉજવણી કરી રહ્યો છે. કંગના અત્યારે મુશ્કેલ સમયગાળામાંથી પસાર થઈ રહી છે. તેની વિરુદ્ધ કોમી વૈમનસ્ય ફેલાવવા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter