હેલ્થ માટે બ્રેક લેવો જરૂરી છે, 2030માં ફરી મળીશું: ઝાકિર ખાન

Sunday 08th February 2026 08:24 EST
 
 

સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ સાથે વાતચીત કરતાં કહ્યું કે, મારા કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. એક ખાસ ઉંમર પછી તે બિમારી પરેશાન કરે છે. મારૂં શરીર ડેમેજ થઈ ચુક્યું છે. માત્ર બે કલાકની ઉંઘ પછી હજારો લોકોને મળવું મુશ્કેલ બનતું જાય છે. કોઈક શહેરમાં ઉતરતાં જ લોકોને મળવું પડે છે.' ઝાકિરે કહ્યું કે પરિવારમાં પોતે એકમાત્ર એવો છે કે જેને આટલી સફળતા મળી છે.
ઝાકિર હાલમાં પોતાના સ્ટેન્ડ-અપ શો સ્પેશિયલ ‘પાપા યાર’ સાથે દેશના અલગ-અલગ શહેરોમાં શો કરી રહ્યો છે. આ જ ટૂરનો તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઝાકિર હૈદરાબાદમાં સ્ટેજ પરથી ઓડિયન્સ સાથે વાત કરતા જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું કે, તે લાંબા બ્રેક પર જઈ રહ્યો છે, તેથી આ હૈદરાબાદમાં તેનો છેલ્લો શો હશે. ઝાકિરે આગળ કહ્યું કે, તે 2028-29 અથવા 2030માં સ્ટેજ શોમાં પાછો આવી શકે છે. તેણે જણાવ્યું કે, તેણે આ બ્રેક પોતાની હેલ્થ અને અન્ય અંગત બાબતોને કારણે લીધો છે. સ્ટેજ પરથી લોકોનો આભાર વ્યક્ત કરતા તેણે કહ્યું કે, આ સમયે ત્યાં હાજર દરેક વ્યક્તિ તેના દિલની ખૂબ નજીક છે. તેણે દર્શકોનો આભાર માન્યો અને કહ્યું કે, તેને જેટલો પ્રેમ મળ્યો છે તેના માટે હંમેશા આભારી રહેશે.
વાયરલ વીડિયો વચ્ચે ઝાકિરે સોશિયલ મીડિયા પર પણ તેનો ઈશારો કર્યો. મંગળવારે બપોરે તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટ દુબઈ પહોંચ્યા પછીની હોવાનું કહેવાય છે. તેમાં તેણે લખ્યું કે, 20 જૂન સુધી દરેક શો એક સેલિબ્રેશન જેવો હશે. તેણે એમ પણ લખ્યું કે, આ વખતે તે ઘણા શહેરોમાં આવી શકશે નહીં. તેથી દર્શકો થોડો વધુ પ્રયાસ કરીને શોમાં ચોક્કસ આવે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે તેણે પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરી હોય. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, તે એક વર્ષ કરતાં વધુ સમયથી સારું અનુભવી રહ્યો ન હતો, તેમ છતાં તેણે કામ ચાલુ રાખ્યું. તેણે કહ્યું હતું કે, તે સમયે કામ કરવું તેને જરૂરી લાગતું હતું. તેણે જણાવ્યું હતું કે, છેલ્લા લગભગ દસ વર્ષથી તે સતત ટૂર કરી રહ્યો છે. આ દરમિયાન તે દિવસમાં બે થી ત્રણ શો કરતો રહ્યો. ઘણીવાર તેને ઊંઘ વિના કામ કરવું પડ્યું. સવારે વહેલા ફ્લાઈટ પકડવી પડી. ખાવાનો કોઈ નિશ્ચિત સમય ન રહ્યો. આ પ્રકારની જીવનશૈલીની અસર તેના સ્વાસ્થ્ય પર પડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter