મહાનાયક અમિતાભ બચ્ચને મુંબઇના એક ટ્રાફિક સિગ્નલ પર વરસતાં વરસાદમાં વેણી વેચવા ઊભી રહેલી એક બાળકીનો કિસ્સો તેમના બ્લોગ પર ફેન્સ સાથે શેર કર્યો છે. તેમના જણાવ્યા મુજબ એક ટ્રાફિક સિગ્નલ પર તેમની કાર ઊભી રહી અને તેમની નજર પોતાના અને પરિવારના પેટનો ખાડો પૂરવા વેણીઓ વેચાય તેની રાહ જોતી વરસાદમાં ઊભી રહેલી એક બાળકી પર પડી. આ બાળકી હાથમાં વેણીઓ લઇને તેમની કાર પાસે પહોંચી હતી. કારના હેન્ડલ સુધી તેનો હાથ માંડ પહોંચતો હતો. તેમણે બધી વેણીઓની કિંમત પૂછતાં બાળકીએ ગભરાતાં ગભરાતાં 500 રૂપિયા કહ્યા, જેની સામે તેમણે 5,000 રૂપિયા આપીને બાળકી પાસેથી બધી જ વેણીઓ ખરીદી લીધી હતી.
અમિતાભે ઉમેર્યું કે સામાન્ય રીતે મારો સિક્યોરિટી સ્ટાફ મને કાર વિન્ડો ઓપન કરવા દેતો નથી, પણ તે દિવસે સિક્યોરિટી સ્ટાફ મારી સાથે નહોતો. મેં તે બાળકીને પૂછ્યું કે તે શું ઇચ્છે છે? જવાબમાં તેણે આશાભરી નજરે મારી સામે જોઇને હાથમાં રહેલી વેણીઓ બતાવી... હું આ લખી રહ્યો છું ત્યારે મારી આંખો ભીની થઇ ગઇ છે. કેમ કે તેણે જ્યારે મને ગભરાતાં ગભરાતાં બધી વેણીઓના 500 રૂપિયા કહ્યા ત્યારે હું વેણીઓ ખરીદીશ કે નહીં? તેણે ક્યાંક વધારે પૈસા તો નથી કહી દીધાને? ઓછા કહેવા જોઇતા હતા? જેવા અનેક સવાલો તેના મગજમાં ઘુમરાતા હશે. ગ્રીન લાઇટ થતાં મારી કાર આગળ વધી પણ તેના ચહેરા પરના એ ભાવ હું ક્યારેય ભૂલીશ નહીં.