‘અસુરગુરૂ’ અક્ષય ખન્નાએ ફરી મચાવી હલચલ

Sunday 30th August 2026 05:19 EDT
 
 

‘દૃશ્યમ 2’, ‘છાવા’, ‘ધુરંધર’ અને ‘ઇક્કા’ જેવી ફિલ્મમાં શાનદાર ભૂમિકા ભજવ્યા બાદ અક્ષય ખન્ના હવે વધુ એક અનોખા અવતારમાં જોવા મળવાનો છે. પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સ (PVCU)ની આગામી પૌરાણિક ફિલ્મ ‘મહાકાલી’માં અક્ષય ખન્ના શુક્રાચાર્યની ભૂમિકા ભજવી રહ્યો છે. તેના આ અનોખા લૂકે સોશિયલ મીડિયા પર ભારે ઉત્સુકતા જગાવી છે. નિર્માતાઓએ ફિલ્મની પહેલી ઝલક સોમવાર - 24 ઓગસ્ટે રિલીઝ કરી દીધી છે.
દિગ્દર્શક પ્રશાંત વર્મા અને આરકેડી સ્ટુડિયોઝે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતુંઃ ‘24મી ઓગસ્ટ – અંતનો આરંભ’ ત્યારથી ‘મહાકાળી’ને લઈને ચર્ચા તેજ બની છે. તેની સાથે અક્ષય ખન્નાના શુક્રાચાર્યના લૂકની ઝલક પણ શેર કરાઇ હતી. હિંદુ પુરાણોમાં શુક્રાચાર્ય અસુરોના ગુરુ અને આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે ઓળખાય છે. અક્ષય ખન્ના આ પાત્રમાં એકદમ અલગ અંદાજમાં જોવા મળશે.
આ લૂકમાં અક્ષય લાંબી દાઢી, ઊંચા જટાજૂટમાં બાંધેલા જટાવાળા વાળ અને કપાળ પર વિશિષ્ટ તિલક સાથે જોવા મળે છે. માટી જેવા રંગો ધરાવતા વસ્ત્રો, પરંપરાગત આભૂષણો અને પાત્રનો ગંભીર દેખાવ સમગ્ર લુકને વધુ પ્રભાવશાળી બનાવે છે. ચાહકો માટે અક્ષય ખન્નાને આ અવતારમાં ઓળખવો પણ મુશ્કેલ બની રહ્યો છે. અક્ષયના લૂક પર ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર ચાહકોએ ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter