‘આદિપુરુષ’ વિવાદે રાજકીય રંગ પકડ્યો

Tuesday 11th October 2022 11:11 EDT
 
 

બિગ બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર રિલીઝ થતાં જ તેણે વિવાદનો પલિતો ચાંપ્યો છે. ફિલ્મના કાસ્ટિંગની સાથે ફિલ્મના એનિમેશન, વીએફએક્સ અને પાત્રોના ડ્રેસિંગની ચારેકોરથી ટીકા થઈ રહી છે. ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર સામે આવતાં જ નેટિઝન્સ અકળાયા હતા અને ફિલ્મ વિશે હજારો ટ્વિટ કરીને વિરોધ નોંધાવ્યો છે. આ ઓછું હોય તેમ ‘આદિપુરુષ’નો વિવાદ હવે રાજકીય રંગ પણ પકડી રહ્યો છે. એક પછી એક નેતા આ ફિલ્મ સામે આક્રોશ વ્યકત કરી રહ્યા છે. મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા બાદ, મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રામ કદમે પણ ફિલ્મનો વિરોધ કર્યો છે. ‘રામાયણ’ પર આધારિત આ ફિલ્મમાં દર્શાવાયેલા પાત્રો અને અનેક સીન્સ સામે વિરોધનું વંટોળ ઉભો થયો છે. રામ કદમે કહ્યું હતું કે, ફક્ત આ ફિલ્મને જ નહીં, પરંતુ આ ફિલ્મના પ્રોડ્યુસર્સને પણ ભારતીય સિનેમા ઈન્ડસ્ટ્રીમાંથી બહાર કરી દેવા જોઈએ. હિન્દુ દેવી-દેવતાઓનું આ પ્રકારનું અપમાન સહન કરી લેવાશે નહીં. ફિલ્મ ‘આદિપુરુષ’ હિન્દુ ધર્મના લોકોની આસ્થા સાથે મજાકસમાન છે અને આ કારણે જ તેનું સ્ક્રીનિંગ કરવાની પરમિશન નહીં મળે. પૈસા કમાવવા માટે અનેક પ્રોડ્યુસર્સ આવા ટૂંકા રસ્તા અપનાવે છે પણ હિન્દુ સમાજ હવે, આ પ્રકારનું અપમાન સહન કરવાના મૂડમાં નથી.

અગાઉ, મધ્ય પ્રદેશના ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, ‘મેં આ ફિલ્મનું ટ્રેલર જોયું છે. આ ફિલ્મમાં ઘણાં બધા વાંધાજનક સીન્સ છે. હનુમાનજીને લેધર જેકેટમાં દર્શાવવામાં આવ્યા છે પરંતુ પૌરાણિક ગ્રંથમાં તેમના આવા અવતારનો કોઈ ઉલ્લેખ જ નથી. આવા દૃશ્યો ધર્મનું અપમાન કરે છે અને લોકોની લાગણીને ઠેસ પહોંચાડનારા છે. હું ફિલ્મ ડિરેક્ટર ઓમ રાઉતને પત્ર લખીને આવા તમામ સીન્સને હટાવવાની માંગણી કરું છું અને જો આવા સીન્સને ફિલ્મમાંથી દૂર નહીં કરવામાં આવે તો હું તેમની સામે કેસ કરતાં પણ ખચકાઈશ નહીં.’
આ વિવાદમાં અયોધ્યા રામ મંદિરના પૂજારી સત્યેન્દ્ર દાસે પણ ઝુકાવ્યું છે. તેમણે લોકોને આ ફિલ્મને બોયકોટ કરવાનું કહ્યું છે. ભગવાન રામ, સીતા માતા અને રાવણને જે રીતે રજૂ કરાયા છે તે સદંતર ખોટું છે. ફિલ્મ બનાવવી કોઈ ગુનો નથી પણ તથ્યો સાથે ચેડાં કરીને કોન્ટ્રોવર્સી ઊભી કરીને લાઈમલાઈટમાં આવી પબ્લિસિટી કરવી તે ખોટું છે. આ કારણે જ ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
દર્શકો ભગવાન રામ, સીતાજી કે રાવણના અવતાર કરતા ફિલ્મના ગ્રાફિક્સ અને એનિમેશનથી નારાજ છે. લોકોએ ફિલ્મનું મોટા ભાગનું બજેટ આર્ટિસ્ટની ફીમાં વાપરી નાખ્યું અને ફિલ્મના એનિમેશન અને ગ્રાફિક્સની ઉઠાંતરી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે ડિરેક્ટર ઓમ રાઉતના વિઝન પર સવાલ ઉઠયા છે. ‘તાન્હાજી’ જેવી શાનદાર ફિલ્મ બનાવનાર નિર્દેશક આટલું નબળું કામ કરી શકે તે સ્વીકારવું ઓડિયન્સ માટે અઘરું થઈ રહ્યું છે કારણ કે 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થઇ ત્યારે ઓમની વાહવાહી થઈ હતી. અજય દેવગણ સ્ટારર અને ઓમ નિર્દેશિત ફિલ્મ ‘તાન્હાજી’એ ત્રણ એવોર્ડ પોતાના નામે કર્યા હતા. જેમાં બેસ્ટ પોપ્યુલર ફિલ્મ, અજય દેવગણને બેસ્ટ એક્ટર અને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટે એવોર્ડ મળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter