‘ઉડાન’નાં પોલીસ અધિકારી કવિતા ચૌધરીની અલવિદા

Saturday 24th February 2024 07:12 EST
 
 

દૂરદર્શન પર વર્ષ 1989-1991 દરમિયાન રિલીઝ થયેલી અત્યંત લોકપ્રિય બનેલી ટીવી સિરીયલ ‘ઉડાન’માં મહિલા પોલીસ અધિકારીનો રોલ ભજવીને તેમજ એક જાહેરાતમાં ‘લલિતાજી’ ચમકીને ઘરે ઘરે જાણીતાં બનેલાં કવિતા ચૌધરીનું 15 ફેબ્રુઆરીએ હદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેમને કેન્સરની બીમારી પણ હતી. જીવનના અંતિમ દિવસો કવિતા ચૌધરીએ અમૃતસરમાં પસાર કર્યા હતા, અને અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
67 વર્ષીય કવિતા ચૌધરી અભિનેત્રી, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પણ હતાં. 1989માં દૂરદર્શન પર પ્રસારિત થયેલા શો ‘ઉડાન’માં આઈપીએસ કલ્યાણી સિંહની ભૂમિકા અદા કરીને ખૂબ પ્રશંસા મેળવી હતી. આ ઉપરાંત તેમણે એક ડિટર્જન્ટ બ્રાન્ડની જાહેરાતમાં ગૃહિણી લલિતાજીની કરેલી ભૂમિકા પણ દર્શકોને ગમી હતી. તેઓ દૂરદર્શનના શો ‘યોર ઓનર’ અને ‘આઇપીએસ ડાયરીઝ’ (હોસ્ટ તરીકે)માં પણ જોવા મળ્યાં હતાં. કવિતા ચૌધરી દેશનાં બીજા મહિલા આઇપીએસ અધિકારી કંચન ચૌધરી ભટ્ટાચાર્યનાં બહેન હતાં. ‘ઉડાન’ સિરીયલ કંચન ચૌધરીનાં જીવન પર આધારિત હતી. સમીક્ષકો અને પ્રશંસકો દ્વારા ખૂબ વખણાયેલી આ સિરીયલે મહિલાઓની એક પેઢીને પોલિસ ફોર્મમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. કોવિડ મહામારી દરમિયાન આ સિરીયલને પુનઃ પ્રસારિત કરાઇ હતી.
અભિનેતા અનંગ દેસાઈએ કહ્યું કે, કવિતા ચૌધરી હવે નથી રહ્યાં. તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અમારા બેચમેટ હતા. અમે એનએસડીમાં ત્રણ વર્ષ સુધી સાથે અભ્યાસ કર્યો હતો. કવિતા, હું, સતીશ કૌશિક, અનુપમ ખેર, ગોવિંદ નામદેવ તમામ એક જ બેચમાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter