જાજરમાન અભિનેત્રી રેખાના અભિનયથી ઓપતી અને હિન્દી ફિલ્મઉદ્યોગની ક્લાસિક ગણાતી ફિલ્મ ‘ઉમરાવ જાન’નું ફિલ્મી પરદે પુનરાગમન થયું છે. આ પ્રસંગે ફિલ્મના ડાયરેક્ટર મુઝફ્ફર અલી અને પાર્શ્વગાયિકા આશા ભોંસલેએ રેખા સાથે સંસ્મરણોને તાજાં કર્યા હતા. 91 વર્ષનાં આશા ભોંસલે અને તેમનાંથી 20 વર્ષ નાનાં રેખા 44 વર્ષ બાદ જાહેર કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. ‘ઉમરાવ જાન’ની આ ત્રિપુટીએ રેખાના જીવન આધારિત કોફી ટેબલ બુકને લોન્ચ કરી હતી.
સદાબહાર એક્ટ્રેસ રેખાની યાદગાર ‘ઉમરાવ જાન’ 1981માં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મને 4K વર્ઝનમાં તૈયાર કરીને 27 જૂનથી ફરી રિલીઝ કરાઇ છે. નવા વર્ઝન સાથે જાજરમાન ‘ઉમરાવ જાન’ની પ્રી-રિલીઝ ઈવેન્ટનું મુંબઈ ખાતે આયોજન થયું હતું. રેખા અને ડાયરેક્ટર મુઝફ્ફર અલીએ ઈવેન્ટમાં આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે એ. આર. રહેમાન, અનિલ કપૂર, હેમા માલિની, તનુજા, રાજ બબ્બર, ઈલા અરુણ સહિત અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. તબુ, નુસરત ભરુચા, નિમરત કૌર, ફાતિમા સના શેખ, તલત અઝીઝ, મહિમા ચૌધરી, સિમી ગરેવાલ, આલિયા ભટ્ટ, જ્હાન્વી કપૂર, એમી વિર્ક સહિત અનેક ચાહકોએ રેખાને અભિનંદન આપ્યા હતા. રેખાએ ઈવેન્ટ દરમિયાન ‘ઉમરાવ જાન’ના કેટલાક સ્ટેપ્સ રજૂ કરીને સરપ્રાઈઝ આપી હતી.