‘એક મંદિર ખંડિત કરી શકાય છે પરંતુ શ્રદ્ધા નહિ’

બે દિગ્ગજ સાથે મળીને બનાવશે ‘જય સોમનાથ’

Tuesday 17th February 2026 09:05 EST
 
 

બોલિવૂડના બે ટોચના સર્જકો સંજય લીલા ભણશાળી અને કેતન મહેતા સાથે મળીને જય સોમનાથ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે રીલિઝ કરવાનું તેમનું પ્લાનિંગ છે. આ ફિલ્મ સંજય લીલા ભણશાળી પ્રોડ્યુસ કરશે. જ્યારે કેતન મહેતા ફિલ્મનાં લેખન તથા દિગ્દર્શનની જવાબદારી સંભાળશે. મહમ્મુદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યાને 1000 વર્ષ પૂરાં થયાં છે. ગઝની આક્રમણ લઈને આવ્યો અને ભારતીય રાજાઓએ તેનો કેવી રીતે સામનો કર્યો અને બાદમાં સદીઓ દરમિયાન આ મંદિર કેવી રીતે તેનાં હાલના ભવ્ય સ્વરૂપે પુનરોદ્ધાર પામ્યું તેની સમગ્ર કથની ફિલ્મમાં રજૂ થાય તેવી સંભાવના છે. આ બે ગુજરાતી સર્જકોએ બહુ વિરાટ પાયા પર સમગ્ર ગાથાને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવાનું નક્કી કર્યું છે. ‘એક મંદિર ખંડિત કરી શકાય છે પરંતુ શ્રદ્ધા નહિ’ તેવી ટેગલાઈન સાથે તેમણે મહાશિવરાત્રી પર્વે આ જાહેરાત કરી હતી.

ફિલ્મની કાસ્ટ તથા અન્ય વિગતો આગામી દિવસોમાં જાહેર થાય તેવી સંભાવના છે. સંજય લીલા ભણશાળી ઐતિહાસિક વિષયો પર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની પદ્માવત તથા બાજીરાવ મસ્તાની ફિલ્મોમાં તત્કાલીન રાજાઓની વીરતા, યુદ્ધો, પ્રણયરંગ સહિતનાં પાસાં આલેખાયાં હતાં. બીજી તરફ હોલી, મિર્ચ મસાલા તથા ભવની ભવાઈ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો બનાવી ચૂકેલા કેતન મહેતા સરદાર, મંગલ પાંડે, ધી રાઈઝિંગ અને રંગ રસિયા જેવી ચોક્કસ ઐતિહાસિક ફલકને આવરી લેતી ફિલ્મો પણ સર્જી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter