‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

Tuesday 01st July 2025 11:39 EDT
 
 

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે. શેફાલીના મૃત્યુની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ સોમવારે કહ્યું કે શેફાલી જુદા જુદા પ્રકારની એન્ટી એજિંગ (ઉંમર વધતી અટકે તેવી) દવાઓ લેતી હતી અને શક્ય છે કે ખાલી પેટે આ ગોળીઓનું સેવન કરવાથી તેનું બ્લડપ્રેશર ડાઉન થયું હતું. શુક્રવારે ઘરે સત્યનારાયણની પૂજા હોવાના કારણે શેફાલીએ ઉપવાસ કર્યો હતો અને ખાલી પેટે ઘણી દવાઓ લેવાના લીધે તેનું બ્લડપ્રેશર ઘટી ગયું, જેના કારણે ચક્કર આવવાથી તે પડી ગઈ હતી. શેફાલીએ શુક્રવારની બપોરે એક ઇન્જેક્શન લીધું હતું, જે શક્ય છે કે યુવાન રહેવા માટેનું હતું તથા રાત્રે પણ તેણે રોજિંદી દવાઓનું સેવન કર્યું હતું. તેનું બ્લડપ્રેશર ઘણું ઘટી ગયું અને તે ધ્રૂજવા લાગી હતી. ત્યાર બાદ તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 10 લોકોનાં નિવેદનો નોંધ્યાં છે, જેમાં તેના પતિ, માતા-પિતા અને ઘરનોકર સામેલ છે, જેઓ ઘટના સમયે ઘરમાં હાજર હતા.
તેમણે સ્પષ્ટ કર્યું કે હજુ સુધી કશું સંદિગ્ધ નથી મળ્યું. પોલીસની એક ટીમ ફોરેન્સિક નિષ્ણાતો સાથે શેફાલીના ઘરે ગઈ હતી અને તેની દવાઓ તથા ઈન્જેક્શન સહિતની ઘણી વસ્તુઓના નમૂના એકત્ર કર્યા હતા.

શુક્રવારે રાત્રે 11:15 વાગ્યે શેફાલીને તેના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી મુંબઈની બેલેવ્યુ હોસ્પિટલમાં લાવ્યા હતા. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસના મતે, મૃત્યુ પહેલાથી જ થઈ ગયું હતું. તેનું કારણ સ્પષ્ટ નથી. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ પછી શનિવારે મોડી સાંજે મુંબઈમાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. શેફાલીએ મ્યુઝિક વીડિયોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2002માં તે ‘કાંટા લગા...’ ગીતના રિમિક્સથી પ્રખ્યાત થઈ હતી. આ પછી તેણે ‘નચ બલિયે’માં ભાગ લીધો હતો અને ‘બિગ બોસ 13’માં પણ જોવા મળી હતી.
સૂત્રોના મતે, શેફાલી યુવાન દેખાવા માટે પાંચ-છ વર્ષથી એન્ટિ એન્જિંગ ટ્રીટમેન્ટ લઈ રહી હતી. તેનો હેતુ ત્વચાની ચમક સુધારવાનો હતો. બીજી તરફ, એક્ટ્રેસના મોત બાદ એક્ટ્રેસ હિમાંશી ખુરાનાએ શંકા ઊભી કરતી પોસ્ટ કરી છે કે- ‘બિગ બોસ’ જગ્યા જ શાપિત છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં સિદ્ધાર્થ શુક્લાનું પણ આ રીત મોત થયું અને હવે શેફાલી જરીવાલાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે.

અમદાવાદમાં જન્મઃ વાયા આણંદ મુંબઇ પહોંચી
શેફાલી જરીવાલાનો જન્મ અમદાવાદમાં થયો હતો. સ્કૂલ લેવલ સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ શેફાલીએ IT એન્જિનિયરિંગના અભ્યાસ આણંદમાં કર્યો હતો. શેફાલીની માયાનગરી મુંબઈની સફર આણંદથી થઈ હતી. 2002માં જ્યારે તેનું પ્રથમ રિમિક્સ સોંગ ‘કાંટા લગા...’ આવ્યું ત્યારે તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી. રાતોરાત સ્ટાર બનેલી શેફાલી જરીવાલાની આ પ્રસિદ્ધિને કારણે જ 2004માં અક્ષયકુમારની ‘મુજસે શાદી કરોગી’માં જોવા મળી હતી. જોકે શેફાલી જરીવાલાનું આ સ્ટારડમ બે વર્ષથી વધારે લાંબું ટક્યું ન હતું. 2004 બાદ શેફાલી જરીવાલા અચાનક લાઈમલાઈટથી દૂર થઈ ગઈ હતી. છેલ્લે 2019માં શેફાલી જરીવાલા ‘બિગ બોસ 13 સિઝન’માં જોવા મળી હતી..

શેફાલી જરીવાલાનો પરિવાર મૂળ અમદાવાદનો છે, જે જૈન ફેમિલીમાંથી આવે છે. અમદાવાદમાં સ્કૂલ લેવલના શિક્ષણ બાદ શેફાલી આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શરૂઆતથી જ તે ફિલ્મજગતનો ભાગ બનવા માગતી હતી, તેથી તક મળતાં તે સપનાં પૂરાં કરવાં માટે ગુજરાતથી મુંબઈ આવી ગઈ. માત્ર 19 વર્ષની ઉંમરે વર્ષ 2002માં તેણે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી અને એક જ ગીતથી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

શેફાલીએ બે લગ્ન કર્યાં હતાં
શૈફાલીએ 2004માં હરમીતસિંહ સાથે લગ્ન કર્યા હતા. જોકે આ સંબંધ લાંબો ન ચાલ્યો. શેફાલીએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે લગ્ન દરમિયાન તેણે ‘માનસિક અત્યાચાર’ સહન કર્યો હતો. શેફાલીએ હરમીત સાથે 2009માં કાયદાકીય રીતે છૂટાછેડા લીધા હતાં. ત્યાર બાદ 2010માં પરાગ ત્યાગી સાથે તેની એક પાર્ટીમાં મુલાકાત થઈ હતી. પરાગ ત્યાગી સાથે ચાર વર્ષ ડેટિંગ કર્યા બાદ 2014માં તેણે લગ્ન કરી લીધા હતાં. શેફાલી અને પરાગે ઘણા કપલ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. બન્નેને અત્યાર સુધી કોઈ સંતાન નથી. એક ઇન્ટરવ્યૂમાં શેફાલી જરીવાલાએ ‘દત્તક’ લેવાની વાતનો સપોર્ટ કર્યો હતો. જેના પરથી એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે શેફાલી ટૂંક સમયમાં કોઈ બાળકને દત્તક લઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter