‘કાંટે’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘મુસાફિર’ જેવી ફિલ્મોના દિગ્દર્શક સંજય ગુપ્તાએ અણધારી વિદાય લીધી છે. રાતે ઘરના બાથરૂમમાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી, જે તેમના માટે જીવલેણ સાબિત થઇ હતી. ઘટના સમયે પરિવારના સભ્યો પણ ઘરમાં જ હતાં, પણ તેઓ અન્ય રૂમમાં હોવાથી કોઇને આનો ખ્યાલ જ આવ્યો નહોતો. ખાસ મિત્ર અને ફિલ્મમેકર અશોક પંડિતે પણ સંજય ગુપ્તાના મસ્તક પર ઇજા પહોંચી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. મનોરંજન જગતનું સંજય ગુપ્તા મહત્ત્વનું પ્રદાન કરી ચુક્યા છે. અચાનક તેમનું અવસાન થતાં બોલિવૂડમાં શોકની લહેર દોડી ગઈ છે. અશોક પંડિતે પોસ્ટમાં લખ્યું હતુંઃ ‘આ ઘટના ખૂબ જ શોકિંગ અને દુઃખદ છે. હમણાં જ જાણકારી મળી કે મારા મિત્ર સંજય ગુપ્તા આ જગતમાં નથી રહ્યા. વધુ એક વધુ ટેલન્ટે આ જગતને ખૂબ વહેલા અલવિદા કહી દીધું. તેમની વિદાય ઇન્ડસ્ટ્રી માટે મોટું નુકસાનછે. તમે ખુબ યાદ આવશો મારા મિત્ર.’ નિર્માતા-દિગ્દર્શક રાકેશ રોશને પણ પોસ્ટ મુકીને લખ્યું છે કે, ‘ઘટના ખૂબ જ શોકિંગ અને દુઃખદ છે.’
‘કાંટે-2’નું સપનું સાકાર કરશે સંજય દત્ત
ફિલ્મનિર્માતા સંજય ગુપ્તાનું અચાનક અવસાન થતાં બોલિવૂડમાં શોકની લહર દોડી ગઇ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ આઘાતની લાગણી અનુભવી છે. અભિનેતા સંજય દત્તે પણ પોતાના નજીકના મિત્રને યાદ કરતા એક ભાવુક પોસ્ટ શેર કરી છે. સંજય ગુપ્તાને પોતાના પરિવારનો ભાગ હોવાનું જણાવતાં સંજય દત્તે તેમાં લખ્યું છેઃ મિત્રનું સપનું તે સાકાર પુરું કરશે અને ‘કાંટે-2’ તૈયાર કરવા હરસંભવ પ્રયાસ કરશે. સાથે જ સંજય દત્તે સંજય ગુપ્તા સાથેની પોતાની કેટલીક જૂની તસવીરો ઇનસ્ટા પર શેર કરીને હતી.


