ફિલ્મ ‘કાંતારા’માં દર્શાવેલા દેવતા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કાનૂની મુશ્કેલીમાં ફસાયેલા અભિનેતા રણવીર સિંહને કર્ણાટક હાઈ કોર્ટ તરફથી રાહત મળી છે. કોર્ટે અભિનેતાનું માફીનામું સ્વીકારી લીધું છે, પરંતુ તેની સામે મહત્વની શરત મૂકી છે. રણવીર સિંહે આગામી ચાર સપ્તાહમાં મૈસૂરના પ્રસિદ્ધ ચામુંડેશ્વરી મંદિર જઈને માથું નમાવીને માફી માંગવી પડશે. ગયા વર્ષે ગોવામાં આયોજિત ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન રણવીરે ‘કાંતારા’ના એક દ્રશ્યની મિમિક્રી કરતા દેવતાને ‘ભૂત’ કહીને મજાક ઉડાવી હતી, જેનાથી ભક્તોની લાગણી દુભાઈ હતી. વિવાદ વધતા રણવીરે ડિસેમ્બર 2025માં સોશિયલ મીડિયા પર લેખિત માફી પણ માગી હતી. જોકે, મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.


