શાહરુખ ખાને 58 વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ સતત આગેકૂચ જારી રાખી છે. બ્લોકબસ્ટર ફિલ્મો સાથે કમબેક બાદ શાહરુખે મેટ ગાલામાં ડેબ્યુ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલની ચર્ચા શમે તે પહેલા શાહરુખ ખાને વધુ એક સરપ્રાઈઝ આપી છે. શાહરુખે દીકરી સુહાના માટે બિગ બજેટ ‘કિંગ’ની શરૂઆત કરી છે. આ ફિલ્મમાં ફરી એક વાર શાહરુખ અને દીપિકા પાદુકોણની સુપર હિટ જોડી જોવા મળે તેવી શક્યતા છે.
શાહરુખે સતત કંઈક નવું કરતા રહેવાની અને તેમાં સફળતા મેળવવવાની આદત વિકસાવી છે. મેટ ગાલામાં શાહરુખ ખાન સબ્યસાચીની બોલ્ડ ફેશનને રજૂ કરવાના છે. રેડ કાર્પેટ પર જતાં પહેલા શાહરુખે ફિલ્મીજગતમાં હલચલ મચાવી છે. રોમેન્ટિક ફિલ્મોના બાદશાહ ગણાતા શાહરુખે છેલ્લી કેટલીક ફિલ્મોથી એક્શન ‘કિંગ’નું સ્થાન મળવ્યું છે. આગામી એક્શન ફિલ્મમાં શાહરુખે ‘ઓમ શાંતિ ઓમ’ (2007)ની હીરોઈન દીપિકા સાથે જોડી જમાવવાનું નક્કી કર્યું છે.
ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે ‘કિંગ’નું પ્રિ-પ્રોડક્શન પૂરજોશમાં શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં સુહાનાની સાથે અભિષેક બચ્ચન, અભય વર્મા, અરશદ વારસી અને જયદીપ અહલાવત જેવા જાણીતા કલાકારોને સમાવાયા છે. આમ, શાહરુખના સ્ટારડમની સાથે હવે ‘કિંગ’માં દીપિકાનું ગ્લેમર પણ ભળી રહ્યું છે. ચર્ચા મુજબ, આ એક્શન ફિલ્મ માટે દીપિકાને ફાઈનલ કરી દીધી છે.