‘ગજોધર ભૈયા’ રાજુ શ્રીવાસ્તવનું નિધન

Wednesday 28th September 2022 09:08 EDT
 
 

ભારતના મશહૂર સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે 42 દિવસની સઘન સારવાર બાદ દિલ્હી ‘એઈમ્સ’ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગત 10 ઓગસ્ટે હાર્ટ એટેક આવ્યા બાદ તેમને ‘એઈમ્સ’માં દાખલ કરાયા હતા ત્યારથી તેઓ સતત કોમામાં અને મોટાભાગે વેન્ટિલેટર સપોર્ટ પર જ રહ્યા હતા. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાના સમાચારો સતત આવી રહ્યા હતા પરંતુ તેમને બચાવવાના તબીબોના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા હતા અને 21 સપ્ટેમ્બરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની શિખા ઉપરાંત પુત્રી અંતરા અને પુત્ર આયુષ્યમાનનો સમાવેશ થાય છે.
રાજુ શ્રીવાસ્તવ દિલ્હીમાં એક જીમમાં ટ્રેડ મીલ પર વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમય દરમિયાન તેમના મગજને મળતો ઓક્સિજનનો પુરવઠો રુંધાયો હતો અને તેઓ કોમામાં જતા રહ્યા હતા. પરિવારજનોએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયતમાં ખરેખર સુધારો થઈ રહ્યો હતો. તબીબોને આશા હતી બે-ત્રણ દિવસ પછી વેન્ટિલેટર પણ હટાવી લેશું. તેમને અપાતી દવાઓનું પ્રમાણ પણ ઘટાડી દેવાયું હતું.
રાજુ શ્રીવાસ્તવનાં નિધનના સમાચાર ફેલાતાં દેશવિદેશના તેમના લાખો ચાહકો આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોએ તેમના ટીવી શોનાં પરફોર્મન્સ ઉપરાંત હિંદી ફિલ્મોની કેટલીક ભૂમિકાઓની યાદ તાજી કરી હતી. સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિના મેસેજીસનો ધોધ વહ્યો હતો.
રાજુ શ્રીવાસ્તવ થોડા સમય માટે રાજકારણમાં પણ સક્રિય થયા હતા અને તેઓ ભાજપના સભ્ય હતા. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા અન્ય નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
કાનપુર જન્મભૂમિ, મુંબઇ કર્મભૂમિ
રાજુ શ્રીવાસ્તવનું મૂળ નામ સત્યપ્રકાશ શ્રીવાસ્તવ હતું. ઉત્તર પ્રદેશના કાનપુરમાં 1963ની પચ્ચીસમી ડિસેમ્બરે તેમનો જન્મ થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવને નાનપણથી જ મિમિક્રી કરવાનો શોખ હતો. કોઈએ કહ્યું કે તારી કલાની સાચી કદર મુંબઈમાં થશે એટલે ઝાઝો વિચાર કર્યા વિના મુંબઈ પહોંચી ગયા હતા. અહીં સાયન વિસ્તારમાં તેમણે ભારે સંઘર્ષ સાથે દિવસો વિતાવ્યા હતા. ક્યારેક રીક્ષા ચલાવીને પણ રોજનો ખર્ચો કાઢ્યો હતો. ફિલ્મોમાં સાવ એકસ્ટ્રા કલાકાર જેવા નાના રોલ પણ કર્યા હતા. ક્યારેક તેમને અમિતાભ જેવા કલાકારની મિમિક્રી માટે માંડ 50 રૂપિયા મળતા હતા. જોકે, ધી ગ્રેટ ઈન્ડિયન લાફટર ચેલેન્જથી તેમનો સિતારો ચમક્યો હતો. કોમેડિયન તરીકે તેઓ દેશભરમાં જાણીતા બન્યા હતા. તે પછી દેશવિદેશમાં સ્ટેન્ડ અપ કોમેડીના શો, ટીવી શો વગેરે દ્વારા તેઓ કરોડોની સંપત્તિના સ્વામી બન્યા હતા. કેટલાક અહેવાલો અનુસાર તેમની નેટવર્થ આશરે 20 કરોડ રૂપિયાની મનાતી હતી. તેમની પાસે બીએમડબ્યૂ થ્રી, ઓડી ક્યૂસેવન સહિતની વૈભવી કારો હતી.
કોરોનામાં દત્તક લીધેલી બે બહેનોનું આક્રંદ
રાજુ શ્રીવાસ્તવ બહુ સંવેદનશીલ ઈન્સાન હતા. કોરોના કાળમાં કાનપુરની બે સગી બહેનો ખુશી અને પરીએ તેમના માતાપિતાને ગુમાવી દીધાં હતાં. તે પછી રાજુ શ્રીવાસ્તવે આ બંને છોકરીઓની તમામ જવાબદારીઓ ઉપાડી હતી. ખુશી અને પરી અવારનવાર મુંબઈ જઈને રાજુના પરિવાર સાથે રહેતી હતી અને તેમનો હિસ્સો બની ગઈ હતી. રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચાર આવતાં બંને છોકરીઓએ અમે બીજી વાર અનાથ બન્યાં છીએ એમ કહી હૈયાફાટ આક્રંદ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter