ફિલ્મ ‘ગદર-2’ની એક્ટ્રેસ અમીષા પટેલ અને તેના દિગ્દર્શક અનિલ શર્મા વચ્ચે ફિલ્મ રિલીઝ થયા બાદ મોટો વિવાદ થયો હતો, અને સંબંધો વણસી ગયા હતા. વાત એમ હતી કે ફિલ્મનો ક્લાઈમેક્સ બદલવામાં આવ્યો હોવા છતાં, અમીષા પટેલને આ વિશે જણાવવામાં આવ્યું ન હોવાથી તેણે ઘણી નિરાશા વ્યક્ત કરી હતી. જોકે, હવે તેમની વચ્ચે અબોલા તૂટ્યા હોય તેમ લાગે છે. તાજેતરમાં અનિલ શર્માએ જણાવ્યું કે અમીષા અને તેમની વચ્ચે હવે બધું બરાબર છે અને ‘ગદર-3’ પર કામ ચાલી રહ્યું છે. અનિલ શર્માએ કહ્યું, ‘અમીષા સાથે મારો સંબંધ હવે ખૂબ સારો છે. સમય જતાં બધી વસ્તુઓ યોગ્ય થઈ જાય છે. અત્યારે બધું બરાબર છે. સકીના અને તારા સિંહ ‘ગદર’નો મહત્વનો ભાગ છે, પરંતુ અમે ‘ગદર-3’ના રિલીઝ પહેલા તેમના પાત્રો વિશે વધુ વાત કરીશું.’