‘ગુજરાતી ગૌરવ’ આશા પારેખને દાદાસાહેબ ફાળકે સન્માન

Monday 03rd October 2022 13:01 EDT
 
 

ગૌરવવંતા ગુજરાતી આશા પારેખને ભારતીય ફિલ્મઉદ્યોગનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો છે. ૩૦ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુએ તેમને આ સન્માન એનાયત કર્યું હતું. ફિલ્મઉદ્યોગમાં પ્રશંસનીય પ્રદાન બદલ અપાતું આ સન્માન 22 વર્ષના લાંબા અંતરાલ પછી કોઇ અભિનેત્રીને અર્પણ થયું છે. આ પૂર્વે 2000માં જાણીતા ગાયિકા આશા ભોસલેને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ગુજરાતી પરિવારમાં જન્મેલા આશા પારેખે હિન્દી ફિલ્મોની સાથે સાથે ‘અખંડ સૌભાગ્યવતી’, ‘કુળવધૂ’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો.

1942માં ગુજરાતમાં જન્મ
આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબર 1942ના રોજ ગુજરાતમાં થયો હતો. તેમના માતા મુસ્લિમ અને પિતા ગુજરાતી હતા. 60-70ના દાયકામાં આશા પારેખ તેમની ફિલ્મો માટે જ નહીં, પરંતુ તેમની તગડી ફી માટે પણ જાણીતાં હતાં. તે દસકામાં આશા પારેખ સૌથી વધુ કમાણી કરતાં અભિનેત્રી હતાં.

માત્ર 10 વર્ષની વયે ફિલ્મી પરદે
આશા પારેખે માત્ર 10 વર્ષની બાલ્યાવસ્થામાં ફિલ્મ ‘આસમાન’માં ચાઇલ્ડ આર્ટિસ્ટનો રોલ ભજવીને અભિનયની દુનિયામાં પગરણ માંડ્યા હતા. તેમણે બિમલ રોયની ફિલ્મ ‘બાપ બેટી’માં પણ કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ ફ્લોપ જતાં તેમણે તે સમયે ફિલ્મમાં કામ ના કરવાનો નિર્ણય કર્યો હતા. તેમણે 16 વર્ષની વયે અભિનેત્રી તરીકે પુનરાગમન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ નિર્માતા વિજય ભટ્ટે તેમને ‘ગુંજ ઉઠી શહનાઇ’ માટે નકારી કાઢ્યાં હતાં. આના બીજા જ દિવસે પ્રોડ્યુસર સુબોધ મુખરજી અને ડિરેક્ટર નાસિર હુસૈને ફિલ્મ ‘દિલ દેકે દેખો’ માટે સાઇન કર્યા હતા. શમ્મી કપૂર સાથેની આ ફિલ્મ સાથે તેઓ મોટા પરદે છવાઇ ગયા હતા.

11 વાર આ એવોર્ડથી સન્માનિત
આશા પારેખ 69 વર્ષની કારકિર્દીમાં 95થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. 1999માં ‘સર આંખો પર’ તેમની છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી. આશા પારેખને 11 વખત લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. 1992માં ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. આશા પારેખે તેની મોટા ભાગની ફિલ્મોમાં મુખ્યત્વે ગ્લેમર ગર્લની ભૂમિકા ભજવવાની સાથોસાથ એક ઉત્કૃષ્ટ ડાન્સર તરીકે ઓળખ મેળવી હતી. જે નિર્દેશક રાજ ખોસલાએ તેની ફિલ્મોમાં અલગ અંદાજ અને રોલ આપ્યા બાદ બદલાઇ હતીં. આશા પારેખે બોલિવૂડ સિવાય ગુજરાતી ફિલ્મમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે.

એક અધૂરી પ્રેમકહાની
પરદા પર લાખો દિલોની ધડકન બની ગયેલાં આશા પારેખ રિયલ લાઇફમાં સાવ એકલાં છે. આશા પારેખ લગ્ન કર્યા નથી. જોકે, આશા પારેખને લગ્ન ન કરવાનો કોઇ અફસોસ નથી. જોકે એવું નહોતું કે તેઓ લગ્ન કરવાં ઇચ્છતાં જ નહોતાં. રિપોર્ટ્સ અનુસાર, આશા પારેખ નાસિર હુસૈન સાથે રિલેશિપસમાં હતાં, પરંતુ નાસિર હુસૈન પહેલેથી જ પરિણીત હતાં. આશા પારેખ તેમના સંબંધોને અમુક સ્તરે લઇ જવા માગતાં હતાં. જો આ રિપોર્ટ્સ માનીએ તો તે નાસિર હુસૈનને એટલો પ્રેમ કરતાં હતાં કે તેમણે આખી જિંદગી એકલા રહેવાનું નક્કી કર્યું હતું.

53 વર્ષમાં માત્ર 7 મહિલાને ફાળકે સન્માન
દાદાસાહેબ ફાળકે પુરસ્કારની સ્થાપના થયાને 53 વર્ષ થયાં છે. પાંચ દસકા કરતાં પણ લાંબા આ સમયગાળામાં માત્ર સાત મહિલાને સન્માન એનાયત થયું છે. આમાં આશા ભોસલે, લતા મંગેશકર, દુર્ગા ખોટે, કાનન દેવી, રુબી મેયર્સ, દેવિકા રાનીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 1969માં દેવિકા રાની આ સન્માન મેળવનાર પ્રથમ અભિનેત્રી હતાં.

અજય દેવગણ બેસ્ટ એક્ટર, અપર્ણા બાલામુરલી બેસ્ટ એક્ટ્રેસ

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિતરણ સમારોહમાં અજય દેવગણને ફિલ્મ ‘તાન્હાજી - ધ અનસંગ વોરિયર’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે અપર્ણા બાલામુરલીને ફિલ્મ ‘સુરારાઈ પોટરુ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત થયો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter