‘ગોટી સોડા’ સિઝન-થ્રીમાં પપ્પુના પરિવારની ધમાલ

Thursday 16th February 2023 07:58 EST
 
 

ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી પર વેબસિરીઝ ‘ગોટી સોડા’ની ત્રીજી સિઝને આરંભ સાથે જ પ્રશંસકોનો ઉષ્માભર્યો આવકાર મેળવ્યો છે. હાસ્યના વાવાઝોડા સમાન ‘ગોટી સોડા’ની ત્રીજી સિઝન આવી છે. આ વખતે પણ પપ્પુ એન્ડ પરિવાર ઓડિયન્સને ભરપૂર મોજ કરાવવામાં સફળ રહ્યો છે.
સ્ટોક બ્રોકર પ્રફુલ્લ ઉર્ફે પપ્પુ (સંજય ગોરડિયા)ની એક જ ઝંખના હોય છે સવારની ચા શાંતિથી પીવા મળે, પણ તેનો પરિવાર દરરોજ કંઇકને કંઇક ગોટાળા કરતો રહે છે, અને આ ધમાલ જ દર્શકોને ભરપૂર મનોરંજન આપે છે. પપ્પુની મમ્મી (ભાવિની જાની), પત્ની, ભાઇ, બાળકો સહિતના કેરેક્ટર્સની અજબગજબ હરકતો દર્શકોને હાસ્યથી હળવાફૂલ કરી દે છે. ‘ગોટી સોડા’ 3માં પણ વેબસિરીઝની વાર્તા પપ્પુ અને તેના પરિવારના સભ્યોની આસપાસ ફરે છે. ક્યારેક પપ્પુની પત્નીની રેસિપી તમને ખડખડાટ હસાવે છે, તો ક્યારેક પપ્પુની મમ્મીના કારસ્તાન તમને હાસ્યથી તરબોળ કરશે, તો વળી ક્યારેક પપ્પુના સુપુત્રનાં કાંડ હસાવી હસાવીને પેટ દુખાડી દેશે. આ વેબસિરીઝની ત્રીજી સિઝનથી સંજય ગોરડિયા ખુશખુશાલ છે. તેમનું કહેવું છે કે, ત્રીજી સિઝન એટલે ટ્રિપલ મજા... શેમારૂમીના દર્શકોનો હું દિલથી આભાર માનું છું કે એમણે અમારી આ વેબસિરીઝને જબરજસ્ત પ્રેમ આપ્યો છે અને આ પ્રેમને વશ થઇને જ અમે ત્રીજી સિઝન લાવ્યા છીએ. આ વખતે પણ દર્શકોને ગત બન્ને સિઝન જેટલી જ મજા આવશે તેમાં બેમત નથી.
આ પારિવારિક સિટકોમ વેબસિરીઝને દિવ્યેશ પાઠકે ડિરેક્ટ કરી છે જ્યારે લેખક રાહુલ પટેલ છે. ‘ગોટી સોડા’ સિઝન-થ્રીમાં સંજ્ય ગોરડિયા અને ભાવિની જાની ઉપરાંત પ્રાર્થી ધોળકિયા, પ્રથમ ભટ્ટ, સુનિલ વિશ્રાણી, જિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં ચમકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter