‘ગ્રેમી’માં ભારત ગૂંજ્યુંઃ રિકી કેજને ત્રીજી વખત ગ્રેમી

Saturday 11th February 2023 04:29 EST
 
 

વર્ષ 2023ના બહુપ્રતિક્ષિત મ્યુઝિક એવોર્ડ ગ્રેમી એવોર્ડ્સમાં ફરી એક વખત ભારતના વિજયપતાકા લહેરાયા છે. અમેરિકામાં જન્મેલા, પણ બાળપણમાં જ માતાપિતા સાથે બેંગલુરુમાં વસી ગયેલા સંગીતકાર રિકી કેજે તેનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. રિકીને તેના આલ્બમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે આ એવોર્ડ બ્રિટિશ રોક બેન્ડ ‘ધ પોલીસ’ના ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે શેર કર્યો છે. સંજોગોવશાત્ સ્ટુઅર્ટ કોપલેન્ડે આ આલ્બમમાં રિકી સાથે સહયોગ કર્યો હતો. 65મા ગ્રેમી એવોર્ડ્સમાં બંનેએ ‘બેસ્ટ ઈમર્સિવ ઓડિયો આલ્બમ’ શ્રેણીમાં ગ્રામોફોન ટ્રોફી જીતી છે. જાણીતા મ્યુઝિક કંપોઝર રિકી કેજે પ્રથમ વખત વર્ષ 2015માં તેમના આલ્બમ ‘વિન્ડ્સ ઓફ સમસારા’ માટે આ એવોર્ડ જીત્યો હતો. 2015માં આ સન્માન મેળવ્યા બાદ રિકીને ફરી એક વખત વર્ષ 2022માં ‘ડિવાઈન ટાઈડ્સ’ આલ્બમ માટે ‘બેસ્ટ ન્યૂ એજ’ આલ્બમની કેટેગરીમાં સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો.
એવોર્ડ ભારત દેશને સમર્પિત
આ ખુશી દરેક સાથે શેર કરતા રિકી કેજે પોતાના ટ્વિટર પર કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે પોતાના હાથમાં એવોર્ડ સાથે નજરે પડે છે. આ પોસ્ટ શેર કરતાં રિકીએ કેપ્શનમાં લખ્યું કે, ‘મેં હમણાં જ ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. આ એવોર્ડ હું ભારતને સમર્પિત કરું છું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter