‘ચહેરે’ના ચાહક બિગ-બીની દિલેરી

Thursday 02nd September 2021 06:51 EDT
 
 

અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ચહેરે ૨૭ ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થઇ ગઇ છે અને બિગ બી હાલ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અમિતાભ સાથે ઇમરાન હાશ્મીએ પહેલી વખત કામ કર્યું છે. આ ફિલ્મને લઇને રસપ્રદ વાત એ છે કે, અમિતાભે આ ફિલ્મ માટે કંઇ ફી લીધી નથી. અહેવાલ અનુસાર, અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં કામ કરવા માટે એક પણ પાઇ મહેનતાણા રૂપે લીધી નથી. તેમણે આ ફિલ્મમાં ફ્રીમાં કામ કર્યું છે. બિગ બીને ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ જ પસંદ પડી હોવાથી તેમણે આ ફિલ્મમાં કામ કરવા માટે ફી લેવાનો ઇનકાર કરી દીધો હતો.
ફિલ્મના નિર્માતા આનંદ પડિતે સોશિયલ મીડિયા પોર્ટલ સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ટેક્સની ગણતરી વખતે કોઇ અડચણ ન આવે તે માટે અમે અમિતાભના નામ સાથે ‘ફ્રેન્ડલી અપિરિયન્સ’ ઉલ્લેખ કરવાનો નિર્ણય કર્યો છે. (બચ્ચન) સર એટલા બધા પ્રોફેશનલ છે કે સેટ પર આવવા અને જવા માટે પણ એક પૈસો સુદ્ધાં લીધો નથી. તમામ ખર્ચો તેમણે જાતે જ ઉઠાવ્યો છે. એટલું જ નહીં, વિદેશી લોકેશન દરમિયાન ફિલ્મના શૂટિંગ પર જવા માટે ચાર્ટર પ્લેનનો ખર્ચો પણ તેમણે જ ઉઠાવ્યો હતો.
અમિતાભે ફિલ્મના ટાઇટલ ટ્રેકમાં પોતાના અવાજમાં એક કાવ્ય પઠન કર્યું છે. આ પહેલા પણ તેમણે ફિલ્મ ‘સિલસિલા’ અને ‘અગ્નિપથ’ ફિલ્મમાં કવિતા પઠન કરી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter