‘ચિરાગ પાસવાન સાથે માત્ર દોસ્તી, રોમાન્સ હોત તો...’

Saturday 02nd May 2026 06:41 EDT
 
 

અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌત અને યુવા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન વચ્ચે રોમાન્સની અટકળો એક યા બીજા સમયે ચાલતી રહી છે. 2024ની ચૂંટણી પછી બંને સાંસદ બનીને પહેલી વખત લોકસભામાં પહોંચ્યા ત્યારે તેમની વચ્ચેની કેમેસ્ટ્રી જોઈને લોકોએ રોમાન્સની અટકળો ચલાવી હતી. આ પછી બંનેની તસવીરો વારંવાર વાયરલ થતી રહે છે.
આ મુદ્દે અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગનાને પૂછાયું હતું કે શું તમારે ચિરાગ પાસવાન સાથે અફેર છે? કંગનાએ કહ્યું હતું કે હું ચિરાગને છેલ્લાં 10 વર્ષથી ઓળખું છું. જો અમારા વચ્ચે રોમાન્સ હોત તો આજે અમારા બાળકો હોત. ચિરાગ મારો ખૂબ સારો દોસ્ત છે. લોકો એ માટે એની પાછળ પડ્યા છે કે એણે મને ઘણી વખત ખૂબ હસાવી છે. હવે તો લોકો એની પાછળ પડ્યા હોવાથી ચિરાગ મને જુએ છે ત્યારે રસ્તો બદલી નાખે છે.
2024માં બંને લોકસભામાં ઉષ્માભેર મળ્યા અને એકબીજાને ભેટીને તાળીઓ પાડીને વાતો કરી એ વખતે ફોટો અને વીડિયો વાયરલ થયા હતા. ત્યારે પણ કંગનાને ચિરાગ સાથેના સંબંધો અંગે પૂછાયું હતું. તે વખતે કંગનાએ કહ્યું હતું કે ‘પ્લીઝ, કમ સે કમ સંસદગૃહમાં તો અમને માફ કરો!’
ચિરાગ પાસવાન અને કંગના રનૌતની 2011માં ‘મિલે ના મિલે હમ’ નામની એક ફિલ્મ આવી હતી. એ ચિરાગની પહેલી અને છેલ્લી ફિલ્મ બની રહી હતી. ફિલ્મ ફ્લોપ થતાં ચિરાગ સક્રિય રાજકારણમાં ઝૂકાવીને રાજકારણમાં આવી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter