‘જલ્લિકટ્ટુ’ઃ ઓસ્કરમાં ભારતીય એન્ટ્રી

Thursday 03rd December 2020 06:40 EST
 
 

ફિલ્મ ક્ષેત્રે અપાતા પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કરમાં મલયાલમ ભાષાની ફિલ્મ ‘જલ્લિકટ્ટુ’ ભારતનું સત્તાવાર પ્રતિનિધિત્વ કરશે. ઓસ્કર એવોર્ડની વિવિધ કેટગરીમાં એક ફોરેન ફિલ્મની કેટેગરી છે. તેમાં અંગ્રેજી ભાષા સિવાયની દુનિયાની અન્ય ભાષાની ફિલ્મોનું સન્માન થતું હોય છે. ભારત દર વર્ષે આ કેટેગરી માટે ફિલ્મો મોકલે જ છે. આ વર્ષે આ ફિલ્મ મોકલવાનો નિર્ણય ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ લીધો હતો.
ફિલ્મની વાર્તાના કેન્દ્રસ્થાને એક ભેંસ છે. કેરળના કતલખાનામાંથી એક ભેંસ ભાગી ગઈ. આ ભાગેલી ભેંસને શોધવાની કામગીરી આરંભાઈ. દૂર પહાડીમાં આવેલા ગામના બધા રહેવાસીઓ ભેંસને શોધવા કામે લાગ્યા. આ આખી વાર્તા અને ભેંસનો સંઘર્ષ આ ફિલ્મમાં ડિરેક્ટર લિજો જોસ પેલ્લિસેરીએ રજૂ કર્યો છે. પહેલી નજરે ભલે આ મુદ્દો મહત્વનો વિષય ન લાગે, પણ આવા વિષય પરની ફિલ્મ ૨૦૧૯ના ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પણ વખણાઈ હતી.
ફિલ્મ ફેડરેશનના ચેરમેન અને સફળ ડિરેક્ટર રાહુલ રવૈલે કહ્યું હતું કે આ ફિલ્મ દર્શાવે છે કે કેટલાક સંજોગોમાં તો મનુષ્યનું વર્તન પશુ કરતાં પણ બદતર હોય છે. ફિલ્મની વાર્તા ટૂંકી છે પણ રજૂઆત ધારદાર છે, તેમજ ફિલ્મને પ્રભાવશાળી રીતે શૂટ કરવામાં આવી છે.
ભારત પાસે આ વખતે ઓસ્કરમાં મોકલવા માટે હિન્દી સહિતની વિવિધ ભાષાઓની ૨૭ ફિલ્મો શોર્ટ લિસ્ટ થઈ હતી. તેમાંથી આ નવતર વિષયની ફિલ્મને મોકલાઈ છે.
૨૦૨૧ના ઓસ્કરમાં આ ફિલ્મનું સન્માન થશે કે નહીં એ તો ઓસ્કર જ્યુરી નક્કી કરશે પણ હાલ આ ફિલ્મ ભારતભરમાં ચર્ચાતી થઈ ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter