અભિનેત્રી અને ‘કાંટા લગા...’ ગર્લ તરીકે જાણીતી શેફાલી જરીવાલાના નિધન બાદ તેના પતિ પરાગ ત્યાગીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. પરાગ ત્યાગીના જણાવ્યા અનુસાર, શેફાલીનું મૃત્યુ કુદરતી કારણોસર નહીં પરંતુ બ્લેક મેજિક એટલે કે કાળા જાદુના કારણે થયું હતું.
તાજેતરમાં એક પોડકાસ્ટમાં વાત કરતા પરાગ ત્યાગીએ જણાવ્યું હતું કે, તે અંધશ્રદ્ધામાં માનતો નથી પરંતુ શેફાલીના કિસ્સામાં તેને પૂરો વિશ્વાસ છે કે કોઈએ તેના પર કાળો જાદુ કર્યો હતો. તેણે કહ્યું કે, જ્યાં ભગવાન છે ત્યાં શેતાન પણ છે. પરાગના મતે શેફાલી છેલ્લા કેટલાક સમયથી અસામાન્ય રીતે વર્તી રહી હતી અને તેની તબિયત અચાનક બગડવા લાગી હતી, જેના પાછળ કોઈ અદ્રશ્ય શક્તિનો હાથ હોઈ શકે છે. નોંધનીય છે કે શેફાલી જરીવાલાનું વર્ષ 2025માં માત્ર 42 વર્ષની વયે અવસાન થયું હતું. આ સમાચારે મનોરંજન જગત અને તેના ચાહકોને આઘાત આપ્યો હતો. પરાગ હજુ પણ આ દુઃખમાંથી બહાર આવી શક્યો નથી અને તેણે પોતાની પત્નીની યાદમાં એક યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે. તે શેફાલીના અધૂરા સપના પૂરા કરવા સતત પ્રયત્નશીલ છે. પરાગના આ દાવા બાદ કેટલાક લોકો તેને માનસિક આઘાત ગણાવી રહ્યા છે, તો કેટલાક આ રહસ્યમય દાવા પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. શેફાલીના નિધન બાદ ચાહકો હજુ પણ તેને યાદ કરી રહ્યા છે અને આ નવા ખુલાસાએ ફરી એકવાર આ બાબતને લાઈમલાઈટમાં લાવી દીધી છે.


