કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. હાલમાં જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે અવસાન થયું છે. વિનોદ ગાંધી કન્સ્ટ્રક્શન બિઝનેસમાં પ્રવૃત્ત હતા. તેમના પરિવારમાં પત્ની યશોદા ગાંધી તથા બે દીકરા (મોટા દીકરો નિશ્ચિત અને નાનો ભવ્ય)નો સમાવેશ થાય છે. મોટા દીકરાના લગ્ન થઈ ગયા છે. ભવ્ય હાલમાં કરિયર પર ફોકસ કરી રહ્યો છે. નવમી મેના રોજ ભવ્યની માસીની દીકરી અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોગીનું પાત્ર ભજવનાર સમય શાહની બહેનના લગ્ન હતા. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે ભવ્ય તથા તેનો પરિવાર મુંબઈમાં હોવા છતાંય લગ્નપ્રસંગે હાજરી આપી શક્યો નહોતો. ભવ્યના સમગ્ર પરિવારે વર્ચ્યુઅલી લગ્ન એટેન્ડ કર્યા હતા.