‘ટાઈમ’ મેગેઝિને ટોપ-100 ગ્લોબલ સેલિબ્રિટી લિસ્ટ માટે રિડર્સ પોલ હાથ ધર્યો હતો, જેમાં શાહરુખ ખાને ટોચનું સ્થાન મેળવ્યું છે. કુલ 12 લાખ મતોમાંથી ચાર ટકા મત સાથે શાહરુખ ટોચના સ્થાને છે. આ રિડર્સ પોલની આખરી યાદી 13 એપ્રિલે પ્રસિદ્ધ થશે. શાહરુખે આ યાદીમાં પ્રિન્સ હેરી, મેગન મર્કેલ , લિઓનલ મેસી અને મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગ સહિતની સેલેબ્સને પણ પાછળ રાખી દીધી છે. લિસ્ટમાં શાહરુખ પછીનું બીજું સ્થાન ઈરાનની મહિલાઓને મળ્યું છે. તેઓ ઈરાનમાં પોતાના અધિકારો માટે લડી રહી છે. તેમને ત્રણ ટકા મત મળ્યા છે. ઈરાનની મહિલાઓને તેમની સ્વ અધિકારો માટેની લડત બદલ ગયા વર્ષે ‘ટાઈમ’ 2022ના ગ્લોબલ લિડર્સમાં સ્થાન મળ્યું હતું. તેમના પછી બે ટકા મત સાથે કોરોના વોરિયર્સ ત્રીજા સ્થાને છે.
યાદીમાં પ્રિન્સ હેરી ત્રીજા અને મેગન મર્કેલ ચોથા સ્થાને છે. તેમને બંનેને 1.9 ટકા મત મળ્યા છે. પ્રિન્સ હેરી તાજેતરમાં બ્રિટનના રાજવી પરિવારની આંતરિક વાતો પ્રગટ કરતાં તેમનાં સંસ્મરણોનાં સંગ્રહ 'સ્પેર' માટે ચર્ચામાં આવ્યા છે. ફૂટબોલ ખેલાડી લિઓનેલ મેસી 1.8 ટકા મતો સાથે પાંચમા સ્થાને રહ્યો છે. મેસીએ ગયા વર્ષે ફૂટબોલ વર્લ્ડ કપમાં ફ્રાન્સ સામે પોતાના દેશ આર્જેન્ટિનાને વિજય અપાવી વિશ્વ કપ હાંસલ કર્યો હતો. યાદીમાં સામેલ અન્ય સેલેબ્સમાં આ વર્ષની ઓસ્કર વિજેતા અભિનેત્રી મિશેલ યિઓહ, ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ, મેટાના સ્થાપક માર્ગ ઝકરબર્ગ, બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઈનાસિઓ લુલા ડી સિલ્વા સહિત અન્યોનો સમાવેશ થાય છે.
શાહરુખે હાલમાં પાંચ વર્ષના વિરામ બાદ 'પઠાણ' ફિલ્મ દ્વારા શાનદાર પુનરાગમન કર્યું છે. આ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 1000 કરોડથી વધારેની કમાણી કરી છે. ‘ટાઈમ’ મેગેઝિને શાહરુખને ભારતનો સૌથી લોકપ્રિય કલાકાર અને આંતરરાષ્ટ્રીય આઈકોન ગણાવ્યો છે. આ મતદાનમાં મેગેઝિન દ્વારા તેના વાચકોને એવું પૂછાય છે કે તેઓ ટોપ-100ની યાદીમાં કોને જોવા માગે છે.