‘ડાયરેક્ટરે મને મંદાકિની જેવો સીન આપવા કહ્યું હતું’

Tuesday 05th October 2021 07:21 EDT
 
 

ટ્વિન્કલ ખન્ના તેના બિંદાસ નિવેદન માટે જાણીતી છે. તે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લીધે સતત ચર્ચામાં રહેતી હોય છે. એટલું જ નહીં, તે જાતે જ પોતાની ફિલ્મી કરિયરની પણ અવારનવાર મજાક ઉડાવતી રહે છે. તેણે તાજેતરમાં પોતાના ફિલ્મી દિવસોની વાત કહી છે. ટ્વિન્કલે જણાવ્યું કે એક ડાયરેક્ટરની અયોગ્ય માગણીનો પોતે એવો જવાબ આપ્યો કે તે ડાયરેક્ટર ફરી ક્યારેય તેને ફિલ્મ માટે કાસ્ટ નહીં કરે. આ ડાયરેક્ટરે ટ્વિન્કલને મંદાકિનીએ રામ તેરી ગંગા મૈલીમાં આપ્યો હતો તેવો બહુચર્ચિત સીન આપવાની વાત કરી હતી.
ટ્વિન્કલ ખન્નાએ વહીદા રહેમાન સાથેની વાતચીતમાં સમગ્ર ઘટનાની વાત કરી હતી. વહીદા એક કહાની જણાવી રહ્યા હતા, ત્યારે ડાયરેક્ટર રાજ ખોસલાએ તેમની સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો. ટ્વિન્કલ કહે છે કે મારી સાથે પણ કંઈક આવું થયું હતું. મેં સફેદ કુર્તો પહેર્યો હતો અને ફિલ્મમાં વરસાદનું ગીત કરવા તૈયાર હતી. આ સમયે જ ડાયરેક્ટર ગુરુ દત્તની જેમ શાલ વિંટાળીને ત્યાં આવ્યા અને બોલ્યા, જો હું તને મંદાકિનીની જેમ કરવા કહીશ તો તું કરીશ?
આ સવાલના મેં કહ્યું કે, હું બે વાત કહીશ. એક તો, ના... અને બીજી વાત એ કે તમે રાજ કપૂર નથી... ટ્વિન્કલ જણાવે છે કે આ ઘટના પછી ક્યારેય ડાયરેક્ટર મારી સામે બોલ્યા નથી, બીજી વાર ક્યારેય મને તેમની ફિલ્મમાં લીધી નથી. આ ખરેખર ભયાનક અનુભવ હતો. ટ્વિન્કલ ખન્નાએ ભલે ફિલ્મ કે ડાયરેક્ટરનું નામ જણાવ્યું ન હોય, પરંતુ એ જગજાહેર છે કે તે મેલા ફિલ્મમાં વરસાદના ગીતમાં નજરે પડી હતી. આ ફિલ્મને ધર્મેશ દર્શને ડાયરેક્ટ કરી હતી, અને તે શાલ ઓઢવા માટે જાણીતા હતા. ટ્વિન્કલ અવારનવાર મેલા ફિલ્મની મજાક ઊડાવતી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter