‘તે બધી વાત ખોટી...’

Tuesday 19th March 2024 11:20 EDT
 
 

અમિતાભ બચ્ચને પોતાની બીમારીના સમાચારને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. 15 માર્ચે એવા સમાચાર વહેતા થયા હતા કે અમિતાભ બચ્ચનને પગની નસમાં લોહી જામી ગયું હોવાથી તાત્કાલિક હોસ્પિટલે લઇ જવા પડ્યા હતા જ્યાં તેમના પર તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરવી પડી હતી, અને જો આમ ન થયું હોત તો તેમને હાર્ટએટેકનો ખતરો હતો. બાદમાં એવા અહેવાલ હતા કે અમિતાભે માત્ર રૂટિન ચેક અપ માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હવે ખુદ અમિતાભે આ બધી વાતોને ફેક ન્યુઝ કહીને ઉડાવી દીધી છે.
અમિતાભ 15 માર્ચે મુંબઈમાં થાણેના સ્ટેડિયમમાં એક સ્પોર્ટસ ટુર્નામેન્ટના સમાપન સમયે હાજર હોવાનો વીડિયો વાયરલ થયો છે. તે વખતે કોઈએ બીમારી વિશે પૂછતાં અમિતાભે પોતે જ તે ફેક ન્યૂઝ છે એમ કહી સ્મિત વેરીને ચાલતી પકડી હતી. આ પછી અમિતાભે મોડી રાતે આ ઈવેન્ટની કેટલીક તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાં તેમની સાથે પુત્ર અભિષેક બચ્ચન ઉપરાંત ક્રિકેટ લિજન્ડ સચિન તેંડુલકર પણ નજરે ચઢે છે. બીજી તરફ ચાહકોએ આવા ફેક ન્યૂઝ ક્યાંથી ફરતા થયા તે વિશે તાળો મેળવવા પ્રયાસ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અમિતાભ પોતાની દિનચર્યાની ઝીણામાં ઝીણી બાબત પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે, પરંતુ, પોતાની બીમારી વિશે કોઈ વાત કરવાનું હંમેશાં ટાળે છે. તેમની બીમારીનો નાનોસરખો ઉલ્લેખ પણ ચર્ચાનો મુદ્દો બની જાય છે તે વાતથી વાકેફ હોવાથી અમિતાભ આ બાબતે હંમેશા મૌન સેવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter