છેલ્લા 17 વર્ષથી પ્રસારિત ટીવી દર્શકોના દિલ પર રાજ કરતી દૈનિક ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શોમાં દયાબહેન એટલે કે દિશા વાકાણીનું આગવું સ્થાન હતું. જોકે છેલ્લા આઠ વર્ષથી તેમણે ધારાવાહિકમાંથી બ્રેક લીધો હોવા છતાં તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે અને તેમની એક ઝલક જોવા ફેન્સ આજે પણ એટલાં જ આતુર છે. નોંધનીય છે કે 2017માં પ્રથમ પ્રેગ્નન્સી દરમિયાન દિશાએ મેટરનિટી લીવ લીધી હતી. આ પછી તેઓ બીજી વખત પણ માતા બની ચૂક્યાં છે, પરંતુ શોમાં પુનરામગન કર્યું નથી. દિશા ન તો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, ન તો પબ્લિક ઈવેન્ટમાં જોવા મળે છે. દિશાને ફેન્સ ભાગ્યે જ જોઈ શકે છે. ફેન ક્લબ પર ક્યારેક ક્યારેક તેમના ફોટા વાઈરલ થઈ જાય છે. જોકે હવે દિશાનો લેટેસ્ટ લૂક સામે આવ્યો છે. બે બાળકનાં માતા બન્યા બાદ તેઓ સંપૂર્ણપણે બદલાઈ ગયાં છે. ગૃહસ્થ જીવનમાં વ્યસ્ત આ એક્ટ્રેસ તાજેતરના ફોટોમાં ટ્રેડિશનલ લૂકમાં જોવા મળે છે. તેમણે ગુજરાતી સ્ટાઈલમાં સાડી પહેરી છે. તેમનો લૂક જોઈને લાગે છે કે તે કોઈ ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બિંદી, ઝૂમખા, ચૂડીઓ પહેરેલી તેઓ જોવા મળે છે. તેમણે ગળામાં નેકલેસ પહેર્યો છે. આ પ્રકારના શણગાર સાથે દિશા લાંબા સમય બાદ જોવા મળ્યાં છે. તેની સાથે એક બાળકી પણ જોવા મળે છે. દિશાએ તે બાળકીનો હાથ પકડયો છે. હવે આ બાળકી તેની દીકરી છે કે કોઈ બીજું કોઈ, એ વિશે કોઈ માહિતી મળી શકી નથી. ફોટોમાં દિશા કેમેરા તરફ ચહેરો રાખીને હસતાં હસતાં પોઝ આપી રહ્યાં છે. તેઓ ટિપિકલ પરિણીત મહિલા જેવી દેખાઈ રહી છે.