‘દૃશ્યમ’ ફેમ દિગ્દર્શક નિશિકાંત કામતનું લિવર સિરોસિસથી અવસાન

Monday 17th August 2020 16:22 EDT
 
 

સુપરહિટ ફિલ્મ ‘દૃશ્યમ્’ ઉપરાંત હિન્દી અને મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં અદભુત ફિલ્મો આપનારા ડિરેક્ટર નિશિકાંત કામતનું ૧૭મી ઓગસ્ટે હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. નિશિકાંતને લીવર સોરાઈસિસની તકલીફના કારણે ૩૧મી જુલાઈએ હૈદરાબાદના ગચીબોવલી સ્થિત AIG હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ૧૩મી ઓગસ્ટે હોસ્પિટલ તરફથી અહેવાલ બહાર પાડવામાં આવ્યા હતા કે, હવે નિશિકાંત કામતની સ્થિતિ ગંભીર નથી. જોકે, તે સમયે પણ તેઓ ICUમાં તો હતા જ. નિશિકાંત લિવર સોરાઈસિસની બીમારીમાંથી ઠીક થઈ ગયા હતા, પરંતુ બીજી વાર આ બીમારીએ ઊથલો મારતાં નિશિકાંતની હાલત ગંભીર બની હોવાના અહેવાલ હતા.
મોતની ખોટી અફવા ફેલાઈ હતી
૧૭મી ઓગસ્ટે સવારે નિશિકાંતના અવસાનની ખોટી અફવાઓ ઊડી હતી. જોકે ફિલ્મમેકર મિલાપ ઝવેરી અને અભિનેતા રિતેશ દેશમુખે તે સમયે નિશિકાંતના મૃત્યુના સમાચારનું ખંડન કરીને ન્યૂઝને અફવા ગણાવી હતી. ટ્વિટર પર ફેલાયું હતું કે, કામતનું નિધન થઈ ગયું, પરંતુ ૧૨ મિનિટ પછી ખુદ રિતેશ દેશમુખે ટ્વિટ કર્યું કહ્યું હતું કે, અત્યારે જ નિશિકાંત સાથે હોસ્પિટલમાં હાજર એક વ્યક્તિ સાથે વાત થઈ હતી. તેમણે કહ્યું કે નિશિકાંતની હાલત ગંભીર છે અને તેઓ જીવન અને મોતની લડાઈ લડી રહ્યા છે. રિતેશ દેશમુખે નિશિકાંત કામતની તબિયત અંગે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, હોસ્પિટલ તરફથી કહેવાયું હતું કે કામતની તબિયત ખરાબ છે અને તેઓ હાલમાં વેન્ટિલેટર પર છે. જોકે એ પછીના થોડાક કલાકમાં નિશિકાંતે છેલ્લા શ્વાસ લીધાં હતા. હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિતના લોકો - ચાહકોએ નિશિકાંતને શ્રદ્ધાંજલિ આપી હતી.
વર્ષ ૨૦૦૫માં ડિરેક્ટર તરીકે ડેબ્યુ
નિશિકાંતે મરાઠી હિટ ફિલ્મ ‘ડોંબીવલી ફાસ્ટ’થી મરાઠી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને મરાઠી બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો.
‘દૃશ્યમ’થી લોકપ્રિયતા
૧૭ જૂન, ૧૯૭૦માં મુંબઈના દાદરમાં જન્મેલા નિશિકાંતે વર્ષ ૨૦૦૬માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટ આધારિત ફિલ્મ ‘મુંબઈ મેરી જાન’ બનાવી હતી. જોકે, વર્ષ ૨૦૧૫માં આવેલી અજય દેવગણ સ્ટારર ‘દૃશ્યમ’થી તેમને વધુ લોકપ્રિયતા મળી હતી. ઈરફાન ખાનની ફિલ્મ ‘મદારી’, જ્હોન અબ્રાહમ સ્ટારર ‘ફોર્સ’ તથા ‘રોકી હેન્ડસમ’ જેવી ફિલ્મો પણ તેમણે ડિરેક્ટ કરી હતી. ડિરેક્ટર હોવાની સાથે સાથે તેઓ સારા એક્ટર પણ હતા.
‘હાથ આને દે’, ‘સતચ્યા આત ઘરાત’, ‘૪૦૪ એરર નોટ ફાઉન્ડ’, ‘રોકી હેન્ડસમ’, ‘ડેડી’, ‘જૂલી - ૨ ’, ‘ભાવેશ જોષી’ જેવી ફિલ્મમાં તેમણે અભિનય પણ આપ્યો છે. તેઓ છેલ્લે ‘દરબદર’ નામની ફિલ્મ બનાવવામાં વ્યસ્ત હતા. આ ફિલ્મ વર્ષ ૨૦૨૨માં રિલીઝ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter