ફરહાન અખ્તર હોલિવૂડમાં પોતાની ફિલ્મી શરૂઆત કરવા જઈ રહ્યો છે. તે સેમ મેન્ડિસ દિગ્દર્શિત ‘ધ બીટલ્સઃ અ ફોર-ફિલ્મ સિનેમેટિક ઈવેન્ટ’માં મહાન સિતારવાદક અને સંગીતકાર ભારતરત્ન પંડિત રવિ શંકરની ભૂમિકા નિભાવશે.
થોડા સમય પહેલાં સોની પિક્ચર્સે ‘ધ બીટલ્સ’ના ગાયકોના જીવન અને કારકિર્દી પર આધારિત આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે નવા કલાકારોની જાહેરાત કરી છે. આ ચાર ફિલ્મો મળી ને ‘ધ બીટલ્સઃ અ ફોર-ફિલ્મ સિનેમેટિક ઈવેન્ટ’ તરીકે રજૂ થશે, જેમાં બેન્ડના સભ્યોની સફરને અલગ-અલગ દૃષ્ટિકોણથી દર્શાવાશે.
ફરહાન અખ્તર સિવાય, લૂસી બોયન્ટન પોલ મેકકાર્ટનીની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી જેન એશર તરીકે જોવા મળશે. મોર્કિડ ક્લાર્ક જોન લેન્નનની પત્ની સિન્થિયા લેન્નનની ભૂમિકામાં હશે, જ્યારે હેરી લોટી ‘ધ બીટલ્સ’ના ગિટારિસ્ટ સ્ટુઅર્ટ સટક્લિફનું પાત્ર નિભાવશે. આ નવા કલાકારો અગાઉ જાહેર કરાયેલા કલાકારો પોલ મેસ્કલ, બેરી કિયોગન, જોસેફ વિન અને હેરિસ ડિકિન્સન સાથે જોડાશે. પોલ મેસ્કલ પોલ મેકકાર્ટની, બેરી ક્રિયોગન રિંગો સ્ટાર, જોસેફ ક્વિન જ્યોર્જ હેરિસન અને હેરિસ ડિકિન્સન જોન લેન્નનની ભૂમિકા ભજવશે.
આ ચારેય ફિલ્મો ‘ધ બીટલ્સ’ના દરેક સભ્યના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવશે અને ઇંગ્લેન્ડથી લઈને આંતરરાષ્ટ્રીય સંગીત જગત સુધીની તેમની અદભૂત સફર તેમજ 1970માં જ્યારે તેમનું બેન્ડ છૂટું પડી ગયું, ત્યાં સુધીની કહાની રજૂ કરશે.
ફિલ્મમાં સર્ઝા રોનન, મિયા મેકેન્ના-બ્રુસ, અન્ના સવાઈ અને એમી લૂ વૂડ અનુક્રમે લિન્ડા મેકકાર્ટની, મૌરીન સ્ટાર્કી, યોકો ઓનો અને પેટી બોયડની ભૂમિકામાં જોવા મળશે. જેમ્સ નોર્ટન બીટલ્સના પ્રભાવશાળી મેનેજર એપસ્ટાઈન તરીકે અને હેરી લોયડ લિજેન્ડ રેકોર્ડ પ્રોડ્યુસર જ્યોર્જ માર્ટિન તરીકે જોડાયા છે. ટેકનિકલ ટીમમાં સિનેમેટોગ્રાફી માટે ગ્રેગ ફ્રેઝર, એડિટિંગ માટે લી સ્મિથ અને પ્રોડક્શન ડિઝાઈન માટે સ્ટેફાનિયા સેલા, નીલ કેલો અને માર્ક ટિલ્ડસ્લી સામેલ છે. ગાઇલ્સ માર્ટિન એક્ઝિક્યુટિવ મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે ટીમનો ભાગ છે. રસપ્રદ વાત એ પણ છે કે, આ ચારેય ફિલ્મો એપ્રિલ 2028માં થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.


