‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ જેવી ચર્ચાના ચોતરે ચઢેલી ફિલ્મો બનાવનારા વિવેક રંજન અગ્નિહોત્રી વધુ એક ચર્ચાસ્પદ ફિલ્મ લઇને આવ્યા છે. આ ફિલ્મનું નામ છેઃ ‘ધ બેંગાલ ફાઇલ્સ’. દેશભરમાં આ ફિલ્મ 5 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ ચૂકી છે તે દર્શાવે છે કે ફિલ્મને ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી મળી ચૂકી છે, પરંતુ પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે આજ સુધી ફિલ્મને રાજ્યમાં રિલીઝ કરવાની મંજૂરી આપી નથી. પરિણામે 13 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળમાં ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનિંગ યોજાયું હતું. કોલકાતાની નેશનલ લાઈબ્રેરીમાં બંધ દરવાજે (ક્લોઝ ડોર) યોજાયેલા આ શોમાં ફક્ત આમંત્રિતોને જ પ્રવેશ હતો. બીજી તરફ, આ ફિલ્મની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે કારણ કે, તે ભારતીય ઇતિહાસની એક મહત્વપૂર્ણ પણ અજાણી વાતને આપણી સમક્ષ રજૂ કરે છે. બંગાળમાં ફિલ્મ વિશે જિજ્ઞાસા સતત વધી રહી છે અને થિયેટરોમાં તે ન દર્શાવવા છતાં ખાનગી સ્ક્રીનિંગનું આયોજન કરાઇ રહ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં, વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે ‘રાજકીય દબાણને કારણે ‘ધ બેંગાલ ફાઇલ્સ’ને સિનેમા હોલમાં સ્થાન મળી રહ્યું નથી.’ તેણે કહ્યું હતું કે, ‘અમે એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું દીધું હતું અને થિયેટરો પણ ફાઇનલ થઈ ગયા હતા. મારા ડિસ્ટ્રિબ્યૂટર્સે મને કહ્યું હતું કે બંગાળમાં વિતરકો અલગ અલગ ધર્મના હતા. આ ફિલ્મ ઇતિહાસ રચવા જઈ રહી હતી પરંતુ હવે મને ખબર પડી છે કે થિયેટરો ફિલ્મ બતાવવાનો ઈનકાર કરી રહ્યા છે કારણ કે, તેમને ડર છે કે રાજકીય અશાંતિ ઊભી થઈ શકે છે.’
‘પ્લાસી’ અને ‘બક્સર’નાં યુદ્ધો ક્યારે થયાં એ આપણને ભણાવાય છે. અંગ્રેજ શાસન ક્યારથી શરૂ થયું અને ક્યારે પૂરું થયું એ પણ આપણે જાણીએ છીએ. કયો અંગ્રેજ અફસર ક્યારે આવ્યો અને તેણે શું ‘સુધારા’ કર્યા એ પણ આપણને જણાવાયું છે. અકબર કેટલો ‘મહાન’ હતો એ પણ ભણાવાયું છે, પણ આપણાં કેટલાં મંદિરો તોડી પાડવામાં આવ્યાં એ ક્યારેય કહેવામાં આવ્યું નથી. 1946ના ‘ડાયરેક્ટ એક્શન ડે’ પર હજારો હિંદુઓની કત્લેઆમ થઈ એ કહેવાયું નથી. 1975ની ઇમરજન્સીમાં કેવા-કેવા અત્યાચારો થયા એની ક્યારેય ચર્ચા ન થઈ કે 1990માં કાશ્મીરમાં રાતોરાત હિંદુઓને ‘ભાગી જાઓ, ઇસ્લામ કબૂલ કરો અથવા મરી જાઓ’ કહીને ભગાડી મૂકાયા, તેમનો નરસંહાર થયો તે ક્યારેય જણાવવામાં આવ્યું નથી. કારણ કે ઇતિહાસ લખનારાઓને આપણે આ બધું જાણીએ તેમાં ક્યારેય રસ રહ્યો નથી. આવો જ અભિગમ આજકાલના ફિલ્મ નિર્માતાઓમાં જોવા મળી રહ્યો છે. ‘ફિલ્મ સમાજનું દર્પણ’ કહેવાય એવું ઘસાઈ ગયેલું વાક્ય સાંભળવામાં જરૂર સારું લાગતું હશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ફિલ્મ બનાવનારાઓનો એક મોટો વર્ગ સમાજને પોતે જેવો જોવા ધારે છે એવો જ મોટા પડદે દર્શાવતો રહ્યો છે. વાસ્તવિકતા એ પણ છે કે બાકીનાં અનેક ક્ષેત્રોની જેમ ફિલ્મ ક્ષેત્રમાં પણ એક ચોક્કસ વિચારધારાનો દબદબો રહ્યો છે. જેમાંના સેક્યુલરોએ આવાં બધાં સત્યો આપણી સામે મૂકવામાં ક્યારેય તસ્દી લીધી નહીં.
વિવેક અગ્નિહોત્રીએ આ બધી ફાલતુ વ્યાખ્યાઓ, ઇકોસિસ્ટમે ઘડી કાઢેલા નિયમોને લાત મારીને ચીલો ચાતર્યો. 2022માં તેમણે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ નામની ક્રાંતિકારી ફિલ્મ બનાવીને 1990માં કાશ્મીરના હિંદુઓએ - પંડિત પરિવારોએ શું પીડા ભોગવી, તેમની સાથે શું - શું બન્યું એ બધું મોટા પડદે રજૂ કરવાનું પુણ્યકર્મ કર્યું. હવે તેઓ ‘ધ બેંગાલ ફાઈલ્સ’ લઈને આવ્યા છે.
‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં જે અભિનેતા દર્શન કુમાર છે તેઓ અહીં પણ મુખ્ય ભૂમિકામાં છે. જેમણે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઇ હશે તેમને ફિલ્મના કથાનકમાં એક કન્ટિન્યુટી જણાશે. એ દર્શાવે છે કે ભાગલા વખતે જે હિંદુઓની સ્થિતિ હતી, 1990માં કાશ્મીરમાં જે સ્થિતિ હતી એ અને બંગાળના હિંદુઓ સાથે જે થયું એ બધામાં અનેક રીતે સામ્યતા છે. આ એકલદોકલ કિસ્સાઓ નથી, તમામ પાછળ માનસિકતા એક છે.
હવે આપણે એ જોઇએ કે ‘ધ બેંગાલ ફાઈલ્સ’માં શું છે? 1946ની 16 ઓગસ્ટે મુસ્લિમ લીગના મોહમ્મદ અલી ઝીણા અને બંગાળના તત્કાલીન વડા પ્રધાન સુહરાવર્દીના ઈશારે કલકત્તામાં હજારો હિંદુઓની કત્લેઆમ કરવામાં આવી તેનો ચિતાર છે. પછીથી ગોપાલ પાઠાના નેતૃત્વમાં હિંદુઓએ કઈ રીતે પ્રતિકાર કર્યો તેની કથા છે. નિર્દોષ હિંદુઓએ માત્ર હિંદુ હોવા ખાતર જીવ ગુમાવવો પડ્યો એ વાસ્તવિકતા છે. આ પછી નોઆખલીમાં પાકિસ્તાનની માંગના બહાને કઈ રીતે નિર્દોષ હિંદુઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તેની દુર્ભાગ્યપૂર્ણ કથા છે. ગાંધીજીનું મૌન છે. કોંગ્રેસ નેતાઓની નિષ્ક્રિયતા અને મૂંઝવણ છે. એક-એક દૃશ્યમાં સત્ય હકીકત છે. એવો ઇતિહાસ સમાયેલો છે, જે ક્યારેય આપણને જણાવવામાં આવ્યો નથી.
ફિલ્મ એકસાથે ભૂતકાળ અને વર્તમાન કાળમાં ચાલતી રહે છે. ફિલ્મમાં બંગાળની વર્તમાન સ્થિતિ વિશે પણ સોય ઝાટકીને કહેવામાં આવ્યું છે એટલે પશ્ચિમ બંગાળમાં મમતાદીદીનાં રાજમાં તેની ઉપર અઘોષિત પ્રતિબંધ લાગતો હોય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. સત્તાપક્ષને ફાયદો કરાવવા ગુંડા-માફિયાઓને રક્ષણ આપવામાં આવે છે. પોલીસ શા માટે અમુક કેસમાં મૂકદર્શક બનીને બેસી રહે છે. ઘૂસણખોરીને પ્રોત્સાહન કેમ અપાય છે? આ ઘૂસણખોરોનાં ઓળખપત્રો કોણ બનાવી આપે છે, કેમ બનાવી આપે છે? આ બધા પ્રશ્નો પણ આ ફિલ્મમાં છે અને તેના જવાબો પણ પરદા પર જોવા મળે છે
ફિલ્મ સાડા ત્રણ કલાક લાંબી હોવા છતાં, અને વર્તમાન અને ભૂતકાળ એમ બે સમયગાળા એકસાથે ચાલતા હોવા છતાં કોઇ પણ તબક્કે પકડ ગુમાવતી નથી. તેનું કારણ તેનો મજબૂત અને સરળ પ્રવાહમાં ચાલતો નરેટિવ છે. લેખન અને દિગ્દર્શનમાં વિવેક અગ્નિહોત્રીની મહેનત અહીં દેખાય છે. ફિલ્મમાં મોટાભાગના કલાકારોએ જીવ રેડ્યો છે. પલ્લવી જોશીએ (વિવેક અગ્નિહોત્રીનાં પત્ની, ફિલ્મનાં નિર્માતા) ભારતી બેનર્જીનું પાત્ર જબરદસ્ત રીતે નિભાવી જાણ્યું છે. ભારતી બેનર્જીના નામમાં ‘ભારતી’ પણ ચોકસાઈપૂર્વક પસંદ કરવામાં આવ્યું છે. તેઓ મા ભારતીનું પ્રતીક છે, જેમણે યુવાનીમાં બંગાળમાં હિંદુઓની કત્લેઆમ થતી જોઈ હતી. આજે તેઓ હિંદુઓ સાથે થતાં અત્યાચારો જુએ છે. તેમનો ડર, હતાશા, ભૂતકાળનો ટ્રોમા – આ બધું પલ્લવી જોશીએ પાત્રમાં સજીવન કર્યું છે.
દર્શન કુમારે ‘કાશ્મીર ફાઇલ્સ’ની જેમ અહીં પણ અભિનયમાં કચાશ રાખી નથી. મિથુન ચક્રવર્તીનું પાત્ર પ્રમાણમાં ઓછા સમય માટે સ્ક્રીન પર આવે છે, પણ જ્યારે તેઓ આવે છે ત્યારે એક છાપ છોડી જાય છે. જસ્ટિસ બેનર્જીનું પાત્ર પ્રિયાંશુ ચેટર્જી ભજવે છે. એક સેક્યુલર જજ અને તેમના સેક્યુલરિઝમની મુસ્લિમ લીગના ગુંડાઓ કલકત્તાના પેટ્રોલ પંપ પર જાહેરમાં જે હાલત કરે છે તેમાં આજની ખોખલી પંથનિરપેક્ષતાની વાસ્તવિક પરિસ્થિતિ જોવા મળશે. બાકીનાં પાત્રોએ પણ અભિનયમાં મહેનત કરી છે.
સિનેમેટોગ્રાફીના મામલે આ ફિલ્મ વિવેક અગ્નિહોત્રીની બાકીની ફિલ્મો કરતાં અનેકગણી ચડિયાતી સાબિત થઈ છે. દ્રશ્યો ફિલ્માવવામાં, દિગ્દર્શનમાં મહેનત દેખાય આવે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ નિરાશ કરતું નથી. ફિલ્મમાં હિંસા ભરપૂર પ્રમાણમાં છે, પણ એ દ્રશ્યો દર્શાવવાં જરૂરી હતાં. એ ન દર્શાવાયું હોત તો ઘટનાઓની ગંભીરતા મોટા પડદે રજૂ થઈ શકી ન હોત.
ધારો કે આ બધામાં ક્યાંક કચાશ રહી ગઈ હોત. તો? તોય આ ફિલ્મ જોઇને ઇતિહાસમાં લખાયેલા કલંકિત પ્રકરણ અંગે જાણકારી મેળવવાની આપણી ફરજ છે. આવી ફિલ્મોમાં આ બધાં પાસાં કરતાં અનેકગણી મહત્ત્વની છે તેની સામગ્રી. તેનું કન્ટેન્ટ. આવી ફિલ્મો વારંવાર બનતી નથી. સત્યને આબેહૂબ રજૂ કરતી, કડવાં સત્યો કહેતી ફિલ્મો ભાગ્યે જ ફિલ્મી પરદે પહોંચે છે.
ફિલ્મ આવ્યા પછી ડાબેરી, તટસ્થ રિવ્યૂખોરો ‘આ સારું નથી ને પેલું સારું નથી’ની વાતો કરવા માંડ્યા છે. આગળ પણ કરશે. આવા બધા તત્વોને કોરાણે મૂકીને અવસર મળ્યો ફિલ્મ અવશ્ય નિહાળવી જોઇએ. નહીં જોઈએ આપણો ઇતિહાસ જાણવાની તક સહિત ઘણું ગુમાવીશું.


