વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચાસ્પદ ફિલ્મ રહી રણવીર સિંહની ‘ધુરંધર 2: ધ રિવેન્જ’. આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. આખા બોલિવૂડની કમાણીમાં તેનો હિસ્સો અડધાથી પણ વધુ રહ્યો છે. એટલું જ નહીં, ફિલ્મે ભારત અને વિદેશમાં મળીને બાકીની 104 હિન્દી ફિલ્મોની કુલ કમાણી કરતાં પણ વધુ આવક નોંધાવી છે. વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ 105 હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી. આ તમામ ફિલ્મોએ મળીને ભારતમાં રૂ. 2436 કરોડની કુલ કમાણી કરી છે, એટલે કે સરેરાશ પ્રતિ ફિલ્મ 23 કરોડની કમાણી થઈ હતી. તેમાં માત્ર ‘ધુરંધર 2’એ જ રૂ. 1149 કરોડની કમાણી કરી છે, જે કુલ કમાણીના લગભગ 47 ટકા છે. જો આ ફિલ્મની કમાણીના આંકડા કાઢી નંખાય તો બાકીની ફિલ્મોની સરેરાશ કમાણી માત્ર 12 કરોડ રહે છે.
આ ફિલ્મે વિદેશી બજારમાં પણ ફિલ્મે જોરદાર પ્રદર્શન કર્યું છે. ખાડી દેશો અને પાકિસ્તાનમાં રિલીઝ ન થઈ હોવા છતાં ફિલ્મે ભારત બહાર 46 મિલિયન ડૉલરની કમાણી કરી, જે 2026માં હિન્દી ફિલ્મોની કુલ ઓવરસીઝ કમાણીના લગભગ 60 ટકા જેટલી છે. ટ્રેડ નિષ્ણાતોના અંદાજ મુજબ, 2026નાં પ્રથમ છ મહિનામાં ભારતમાં હિન્દી ફિલ્મોની આશરે 11 કરોડ ટિકિટ વેચાઈ હતી. તેમાંથી લગભગ 5 કરોડ ટિકિટો માત્ર ‘ધુરંધર 2’ માટે વેચાઈ હતી. આ પ્રકારનું પ્રભુત્વ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળ્યું છે. વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે 1813 કરોડની અંદાજિત કમાણી કરી અને ભારતમાં કુલ 1000 કરોડ કમાણી કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની હતી. રસપ્રદ વાત એ છે કે વર્ષનાં પહેલાં છ મહિનામાં રિલીઝ થયેલી બાકીની 104 ફિલ્મોની કુલ વૈશ્વિક કમાણી 1789 કરોડ રહી, જે ‘ધુરંધર 2’ કરતાં 24 કરોડ ઓછી છે.


