‘નુક્કડ’ સિરિયલમાં ‘ખોપડી’ પાત્રથી નામના મેળવનાર સમીર ખખ્ખરનું નિધન

Thursday 23rd March 2023 07:49 EDT
 
 

ગુજરાતી રંગભૂમિ, ટીવી સિરિયલ અને ફિલ્મજગતના દિગ્ગજ કલાકાર સમીર ખખ્ખરનું 14 માર્ચે નિધન થયું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતાં સમીરને બોરીવલીની એમ.એમ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. સમીર નેવુંના દાયકામાં ફિલ્મીપરદાના જાણીતો ચહેરો હતા અને ‘પુષ્પક’, ‘શહેનશાહ', ‘રખવાલા', ‘દિલવાલે’, ‘રાજા બાબુ' જેવી ઘણી ફિલ્મોમાં તેમણે યાદગાર ભૂમિકા ભજવી હતી. વર્ષ 1996માં ભારત છોડીને અમેરિકામાં રહેવા લાગ્યા હતા. હાલમાં રિલીઝ થયેલી શાહિદ કપૂર સાથે ફરજીમાં પણ જોવા મળ્યા હતા.
સમીરે એક્ટિંગ કરિયરની શરૂઆત સિરિયલ ‘નુક્કડ’થી કરી હતી કરી હતી. તેમણે દૂરદર્શનની સિરિયલ નુક્કડમાં ‘ખોપડી'નો રોલ નિભાવ્યો હતો. ‘સર્કસ'માં ચિંતામણિનો રોલ કર્યો હતો. સમીરે ડીડી મેટ્રોની સિરિયલ ‘શ્રીમાન શ્રીમતી'માં ફિલ્મ નિર્દેશક ટોટોની ભૂમિકા પણ ભજવી હતી. થોડા સમય પહેલાં તેઓ સિરિયલ ‘સંજીવની'માં પણ ગુડ્ડુ માથુરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સમીર થોડા વર્ષો પહેલાં ‘હસી તો ફંસી’, ‘જય હો’, ‘પટેલ કી પંજાબી શાદી' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. સમીરે અમેરિકા ગયા બાદ એક્ટિંગ સિવાય જાવા પ્રોગ્રામર તરીકે નોકરી કરી હતી. એવું પણ જાણવા મળે છે કે વર્ષ 2008માં તેમણે નોકરી ગુમાવી દીધી હતી. ત્યાં તેને એક્ટર તરીકે કોઈ જાણતું ન હોવાથી તેમને બીજા ક્ષેત્રમાં કામ કરવું પડ્યું હતું. સમીરને ભારતમાં જે પણ ભૂમિકાઓ મળી તે તેના ‘નુક્કડ’ પાત્ર પર આધારિત હતી.
સમીરે એક ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે, અમેરિકાથી પરત આવ્યા બાદ તે તેના મિત્રોને પણ કામ માટે પૂછતા હતા. તેમણે કહ્યું હતું કે, જો કોઈ પણ અભિનેતા ચારેબાજુ કામ માગતો રહે તો તે સારા અભિનેતા બની શકતા નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સમીરે કહ્યું હતું કે, ‘હું મારી જાતને કામ માટે વેચી શકતો નથી અને મને એ પણ ખબર નથી કે બજાર કેવી રીતે કામ કરે છે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘હું એટલું જાણું છું કે જેઓ મને ઓળખે છે અને તેમની પાસે મારા લાયક કોઈ કામ હોય તો તેઓ જાતે જ મારી પાસે આવશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter