અલ્લુ અર્જુનની સુપરડુપર હિટ ફિલ્મ ‘પુષ્પા’ના બીજા ભાગ, ‘પુષ્પા-ધી રુલ’માં રણવીર સિંહનો કેમિયો હોવાના અહેવાલ છે. આ ફિલ્મમાં રણવીર એક પોલીસ અધિકારીની ટૂંકી ભૂમિકામાં દેખાશે. આ ઉપરાંત ફિલ્મમાં દિશા પટાણીનું આઈટેમ સોંગ પણ ફાઈનલ થયાનું કહેવાય છે. ‘પુષ્પા’ ફિલ્મ બોલીવૂડના કોઈ મોટા સ્ટારના નામ વિના જ સમગ્ર ભારતમાં લોકપ્રિય બની હતી. જોકે, હવે બીજા ભાગની પણ ભારતભરમાં લોકપ્રિયતા સુનિશ્ચિત કરવા માટે તેમાં બોલિવૂડના સ્ટારને સામેલ કરાશે તેવી ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી. હવે એ બહાર આવ્યું છે કે આ કેમિયો રણવીર સિંહ કરવાનો છે.
ફિલ્મમાં રણવીર સિંહ પોલીસ અધિકારી તરીકેની ટૂંકી, પરંતુ મહત્ત્વની ભૂમિકામાં દેખાશે. જોકે, તેના ભાગનું શૂટિંગ થઈ ચૂક્યું છે કે નહીં તે અંગે હજુ કશું સ્પષ્ટ નથી. ફિલ્મનું એક શિડયૂલ તાજેતરમાં હૈદરાબાદમાં પૂર્ણ થયું હતું. તેમાં રશ્મિકા મંદાના પણ જોડાઈ હતી. રશ્મિકાએ સેટ પરથી કેટલીક તસવીરો પણ શેર કરી હતી. હવે ફિલ્મનું આગળનું શિડયૂલ બેંગ્કોકમાં થવાનું છે.