ભાઇ-બહેનના પ્રેમના પર્વ રક્ષાબંધન વેળા ભારતનું ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં ‘બહેનાને ભાઈ કી કલાઈ સે પ્યાર બાંધા હૈ...’ ગીત ના ગૂજ્યું હોય. આ ગીત સહિત બોલિવૂડના બ્લેક એન્ડ વ્હાઈટ જમાનાથી શરૂ કરીને દાયકાઓ સુધી અનેક હિટ ગીતોને પોતાનો કંઠ આપનારાં પીઢ ગાયિકા સુમન કલ્યાણપૂરનું રવિવારે 89 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તાજેતરમાં જ આશા ભોસલેના નિધન બાદ વિતેલાં વર્ષોનાં વધુ એક ગાયિકાએ વિદાય લઈ લેતાં સંગીતચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સુમન કલ્યાણપૂરે હિન્દી અને મરાઠી ઉપરાંત ગુજરાતી સહિત અનેક ભાષામાં ગીતો ગાયાં હતાં. 1954માં ‘માંગુ’ ફિલ્મનાં ગીત ‘કોઈ પુકારે ધીરે સે તુઝે...’થી તેમની કારકિર્દી શરૂ થઈ હતી. ગુરુ દત્તની ‘આરપાર’ ફિલ્મનું તેમનું ગીત ‘મહોબ્બત કર લો જી ભર કર લો તુમે કિસને રોકા હૈ...’ સુપરહિટ થયું હતું પરંતુ માતાપિતાની અનિચ્છાને લીધે રેકર્ડ પર તેમનું નામ અપાયું ન હતું.
એક સંગીત સમારોહમાં ગઝલ સમ્રાટ તલત મહેમૂદે તેમની પ્રતિભા પારખીને હિન્દી ફિલ્મઉદ્યોગમાં પ્રવેશ કરાવ્યો હતો. આ પછી તેમણે પાછું વાળીને જોયું નહોતું. તે સમયના તમામ ટોચના સંગીતકારો શંકર જયકિશન, નૌશાદ, મદનમોહન, એસ.ડી. બર્મન, હેમંત કુમાર, ચિત્રગુપ્ત, ગુલામ મોહમ્મદ, કલ્યાણજી-આણંદજી તથા લક્ષ્મીકાંત-પ્યારેલાલનાં સંગીત નિર્દેશનમાં તેમણે અનેક હિટ ગીતોની વણઝાર લગાવી દીધી હતી. ગુજરાતીમાં તેમનાં ગીતો ‘મણિયારો તે હાલુ હાલુ...’ અને ‘ઝૂલણ મોરલી વાગી રે..!’ ખૂબ જ જાણીતાં છે. લતા અને આશા જેવા બે દિગ્ગજ ગાયિકાઓની હાજરીમાં તેમણે કારકિર્દીમાં સતત સહન કરવું પડયું હતું. ‘ન તુમ હમે જાનો, ન હમ તુમે જાને, મગર લગતા હૈ કુછ ઐસા મેરા હમદમ મિલ ગયા...’ જેવું બેહદ લોકપ્રિય ગીત તેમણે ગાયું હોવા છતાં અનેક ફિલ્મરસિકો આ ગીત લતા મંગેશકરે જ ગાયું છે તેમ માનતા રહ્યા હતા.


