નસીબ ક્યારે પલ્ટી મારતું હોય છે તે અંગે કોઇ કશુંય કહી શકતું નથી. આ અંગે ‘બાલિકા વધૂ’ અને ‘સુજાતા’ જેવી કેટલીયે ટીવી સીરિયલ્સમાં ડાયરેક્ટર રહેલા રામવૃક્ષને પૂછવા જેવું છે. હંમેશા ટીવી-ફિલ્મના સિતારાઓ અને કલાકારોની વચ્ચે રહેલા રામવૃક્ષ આજે પોતાના પરિવારના ભરણપોષણ માટે ઉત્તર પ્રદેશના આઝમગઢમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવી રહ્યા છે. સામાન્ય દેખાતા રામવૃક્ષને જોઇને તમે અંદાજ પણ નહીં લગાવી શકો કે તેમના એક ઇશારે મોટા મોટા ટીવી કલાકાર નાચતા હતા. રામવૃક્ષ એમ તો મુંબઇમાં રહે છે, પરંતુ તેમના પિતાનું ઘર આઝમગઢમાં છે. રામવૃક્ષ હોળી પર્વે વતન ગયા હતા. બાદમાં રામવૃક્ષ મુંબઇ પરત ફરે એ પહેલાં તો લોકડાઉન લાગી ગયું, અને જાણે તેમના નસીબને પણ તાળાં લાગી ગયા. એક-બે મહિનાની રાહ જોયા બાદ સ્થિતિ સામાન્ય થઇ નહીં, એટલે રોજી-રોટી ચલાવવા માટે ધોરણ-૧૧ ભણેલા પોતાના પુત્ર સાથે શાકભાજીની દુકાન લગાવી પરિવારનું ભરણપોષણ કરવા માંડ્યા. ઉલ્લેખનીય છે કે, રામવૃક્ષે ટીવી પ્રોડક્શનમાં કેટલાય વિભાગોમાં કામ કર્યું છે. ધીમે-ધીમે અનુભવ વધતો ગયો. આ દરમિયાન દિગ્દર્શક વિભાગમાં કામ કરવાની તક મળી અને પછી દિગ્દર્શક તરીકે કામ કરવાનો અવસર સાંપડ્યો હતો. આ પછી તેમણે પાછળ વળીને જોયું નથી. જીવન ટ્રેક પર આવ્યું, પરંતું લોકડાઉન કારણે ફરી રામવૃક્ષની મુશ્કેલીનો આરંભ થયો.