ભારત-પાકિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ અને ત્યારબાદ યુદ્ધવિરામ પછી પણ દેશવાસીઓ સેનાના શૌર્યને સલામ કરીને તેમનો ઉત્સાહ વધારવા પ્રયાસ કરી રહ્યા છે. બોલિવૂડ કલાકારો એક અવાજે સેનાનું સમર્થન કરી રહ્યા છે, પણ મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર આ તમામ ઘટનાક્રમ પર અત્યાર સુધી મૌન સેવી રહ્યા હતા. પહલગામ હુમલાથી માંડીને ઓપરેશન સિંદૂર સુધી તેમણે બ્લેન્ક પોસ્ટ મૂકવા સિવાય એક શબ્દ લખ્યો નહોતો. આથી ‘બિગ બી’ના મૌન સામે સવાલ ઊઠવા લાગ્યા હતા. હવે અમિતાભ બચ્ચન પહેલી વાર કાંઈક બોલ્યા છે. ‘બિગ બી’એ મૌન તોડતાં પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે. પહલગામ હુમલાના 20 દિવસ પછી અને ઓપરેશન સિંદૂરના લગભગ પાંચ દિવસ પછી અમિતાભ બચ્ચને મૌન તોડયું છે. અમિતાભે પહેલીવાર સેનાને સલામ કરીને આતંકવાદીઓ પર નિશાન સાધતાં એક્સ પર પોસ્ટ મૂકી છે. પોસ્ટમાં અમિતાભે પિતા હરિવંશરાય બચ્ચનની કવિતાની કેટલીક પંક્તિઓનો પણ ઉલ્લેખ કર્યો છે. પહલગામ હુમલામાં આતંકવાદી દ્વારા ધર્મ પૂછીને ગોળીથી ધરબી દેવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે પતિને મારી ન નાખવા પત્નીની કાકલુદી છતાં તે રાક્ષસે બેરહેમીથી ગોળી મારીને પત્નીને વિધવા બનાવી દીધી. તેમણે પિતાની કવિતાની પંક્તિ લખી હતીઃ ‘ચિંતા કી રાખ કર મેં, માંગતી સિંદૂર દુનિયા!’ ઓપરેશન સિંદૂર, જય હિંદ, જય હિંદ કી સેના! તૂં ના થમેગા કભી તૂ મૂડેગા કભી, તૂ ના ઝુકેગા કભી, કર શપથ, કર શપથ, કર શપથ..! અગ્નિપથ ! અગ્નિપથ! અગ્નિપથ!’ જોકે આટલા દિવસના મૌન પછી પ્રતિક્રિયા આપવા બદલ યૂઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.