અમિતાભ બચ્ચની ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ બોક્સ ઓફિસ પર દિન-પ્રતિદિન કલેક્શનના નવા વિક્રમો સર્જી રહી છે. ફિલ્મ નિહાળનાર દર્શકોને મુખ્ય અભિનેતા પ્રભાસથી પણ વધુ અમિતાભ બચ્ચનની અશ્વત્થામાની ભૂમિકા પસંદ આવી રહી છે. આ બધા અહેવાલો વચ્ચે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં એક રસપ્રદ વાત શેર કરી છે. પુરાણગ્રંથો સાથે સંકળાયેલા જ્ઞાનને વધારવા માટે તેમણે ‘મહાભારત’ ગ્રંથ ખરીદ્યો હતો કેમ કે તેઓ આ ગ્રંથ વિશે વધુ જાણવા માંગતા હતા. બિગ બીએ પોતાના બ્લોગમાં કહ્યું કે ‘મહાભારત’નો ગ્રંથ ઘરમાં રાખી શકાતો ન હોવાથી મેં આ ગ્રંથના તમામ ભાગો મૂકવા માટે લાઇબ્રેરીને આપી દીધા હતા.
અમિતાભ બચ્ચન આ સંબંધી વાત બ્લોગમાં વિગત પૂર્વક લખી છે. તેમણે લખ્યું કે કલ્કિ ફિલ્મમાં બ્રહ્માંડની ઉત્પત્તિથી માંડીને કલ્કિના જન્મ સુધીની વાત સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. પૌરાણિક કથાઓમાં કલ્કિના જન્મ અને બ્રહ્માંડની ઉત્પત્તિ સંબંધી પ્રકરણો પણ છે. આ પૌરાણિક બાબતો વિશે બચ્ચન નહોતા જાણતા. બિગ બી પોતાના બ્લોગમાં લખે છે કે, ‘જ્ઞાન મેળવવા માટે ‘મહાભારત’ના અનેક વોલ્યુમ્સ ઓર્ડર કર્યા હતા. જ્યારે આ ગ્રંથો આવ્યા તો ઘરમાં મૂકવાની તકલીફ હતી. તે ગ્રંથોને ઘરમાં નથી રાખી શકાતા અને જો ઘરમાં રાખવામાં આવે છે તો ઘરના સભ્યો વચ્ચે ઝઘડા થાય છે.’ કલ્કિ ફિલ્મમાં અમિતાભ બચ્ચને અશ્વત્થામાની ભૂમિકા નિભાવી છે. ભારતમાં આ ફિલ્મે 15 દિવસમાં રૂપિયા 543.45 કરોડની આવક રળી લીધી છે. વર્લ્ડ વાઈડ કલેક્શન રૂપિયા 1,000 કરોડને આંકડે પહોંચવાની તૈયારીમાં છે.


