બોલિવૂડમાં સગાવાદના મામલે આક્ષેપોનો દાવાનળ ફાટી નીકળ્યો છે ત્યારે ઓસ્કરવિજેતા સંગીતકાર એ. આર. રહેમાને એવો આક્ષેપ કર્યો છે કે બોલિવૂડમાં એક ગેન્ગ છે, જે તેના અંગે અફવાઓ ફેલાવીને તેને મળતાં કામમાં અવરોધ ઉભા કરી રહી છે. નોંધનીય છે કે એ. આર. રહેમાને તાજેતરમાં જ ઓટીટી પર રિલીઝ થયેલી સુશાંતસિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’માં સંગીત આપ્યું છે.
રહેમાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, ‘હું સારી ફિલ્મો માટે ક્યારેય ના પાડતો નથી, પરંતુ મને લાગે છે કે એવી કોઇ ગેન્ગ છે, જે ગેરસમજના કારણે ખોટી અફવા ફેલાવી રહી છે. મુકેશ છાબડા મારી પાસે આવ્યા હતા અને મેં તેમને બે દિવસમાં ગીત તૈયાર કરીને આપ્યું હતું. મુકેશ છાબડાએ મને કહ્યું હતું કે સર, કોણ જાણે કેટલાય લોકાએ કહ્યું કે રહેમાન પાસે ન જાઓ અને તેમણે જાત-જાતની વાતો મને સંભળાવી હતી.’ રહેમાને કહે છે કે, ‘મેં મુકેશ છાબડાની વાતો સાંભળીને વિચાર્યું કે હવે સમજાય છે કે મને કેમ કામ નથી મળી રહ્યું અને સારી ફિલ્મો મારી પાસે કેમ આવતી નથી. હું ડાર્ક ફિલ્મો કરું છું કેમ કે એક આખું ગ્રૂપ મારા વિરુદ્વ કામ કરી રહ્યું છે એ સમજ્યા - વિચાર્યા વગર કે તેઓ મને નુકસાન પહોંચાડી રહ્યા છે.’