ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાન છેલ્લા કેટલાક દિવસોથી તેમના એક નિવેદનને કારણે વિવાદોના કેન્દ્રમાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, છેલ્લા 8 વર્ષથી તેમની પાસે બોલિવૂડમાં કામ નથી અને તેની પાછળ ‘સાંપ્રદાયિક કારણો’ હોઈ શકે છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમની આકરી ટીકા થઈ રહી હતી, જેને પગલે હવે રહેમાને સત્તાવાર રીતે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. ચોતરફથી ઘેરાયેલા રહેમાને એક વીડિયો સંદેશ દ્વારા પોતાનો પક્ષ રાખતાં જણાવ્યું છે કે, ‘ભારત મારી પ્રેરણા છે, મારો ગુરુ છે અને મારું ઘર છે. સંગીત હંમેશા મારા માટે વિવિધ સંસ્કૃતિઓ સાથે જોડાવાનું અને તેમનું સન્માન કરવાનું માધ્યમ રહ્યું છે. હું સમજું છું કે ક્યારેક વાતોને ખોટી રીતે સમજવામાં આવે છે, પરંતુ મારો આશય હંમેશા સંગીત દ્વારા સેવાનો રહ્યો છે. મારો ઈરાદો કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.’
ઉલ્લેખનીય છે કે આ જ ઇન્ટરવ્યુમાં તેમને પૂછાયું હતું કે રામાયણ પ્રોજેક્ટ માટે કામ કરતી વખતે ધર્મ આડે નથી આવતો? જેના જવાબમાં રહેમાને કહ્યું હતું કે ‘હું બ્રાહ્મણ શાળામાં ભણેલો છું. દર વર્ષે અમારે ત્યાં રામાયણ અને મહાભારત ભજવાતા હતા, તેથી કથાનકની જાણકારી છે. કોઈ પણ સારી વસ્તુ કોઈની પણ પાસેથી શીખી શકો છો. પયગંબર મોહમ્મદે પણ શીખવ્યું છે કે જ્ઞાન અણમોલ છે. જ્ઞાન કયાંથી મળી રહ્યું છે તેનાથી કોઈ ફરક નથી પડતો.’ જોકે તેમના આ પ્રેરણાદાયી ઉત્તરને બાજુએ મૂકી લોકોએ બીજા જ વાકયને મુદ્દે વિવાદનો વંટોળ સર્જી નાંખ્યો હતો.


