‘મહાભારત’ના ‘ભીમ’નું નિધન

Thursday 17th February 2022 11:10 EST
 
 

બી.આર. ચોપરાની સીરિયલ ‘મહાભારત’માં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. તેઓ ૭૪ વર્ષના હતા. પ્રવીણ તેમના પડછંદ શરીર માટે જાણીતા હતા. તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. સાડા ​​છ ફૂટ ઊંચા એક્ટર અને સ્પોર્ટ્સપર્સન પંજાબના હતા. અભિનય પહેલા પ્રવીણ હેમર અને ડિસ્કસ થ્રો એથ્લીટ હતા. તેમણે એશિયન ગેમ્સમાં ચાર મેડલ (૨ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ) જીત્યા હતા. તેમણે બે ઓલિમ્પિક ગેમ્સ (૧૯૬૮ મેક્સિકો ગેમ્સ અને ૧૯૭૨ મ્યુનિક ગેમ્સ)માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ અર્જુન પુરસ્કાર વિજેતા પણ હતા. રમતગમતના કારણે પ્રવીણ કુમારને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)માં ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી મળી હતી.
ટ્રેક અને ફિલ્ડ સ્પોર્ટ્સમાં સફળ કારકિર્દી પછી પ્રવીણે સીતેરના દાયકાના અંતમાં મનોરંજનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પ્રવીણે તેમની પ્રથમ બોલિવૂડ ફિલ્મ એક ટૂર્નામેન્ટ માટે કાશ્મીર ગયા ત્યારે સાઇન કરી હતી. તેમની પ્રથમ ભૂમિકા રવિકાંત નાગાયચ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી જેમાં તેમને કોઈ ડાયલોગ બોલવાના નહોતા. ગયા ડિસેમ્બરમાં પ્રવીણ કુમારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ઘણા સમયથી ઘરે છે. તબિયત સારી નથી રહેતી. તેમને કરોડરજ્જુની સમસ્યા છે. પત્ની વીણા તેમનું ધ્યાન રાખે છે. એક દીકરીના લગ્ન મુંબઈમાં કર્યા છે. પેન્શનને લઈને પ્રવીણ કુમારે કહ્યું હતું કે તેમને પંજાબ સરકાર સામે તરફથી ફરિયાદ છે. એશિયન ગેમ્સ કે મેડલ જીતનારા તમામ ખેલાડીઓને પેન્શન અપાય છે, પરંતુ તેમને ના પાડવામાં આવી હતી. જ્યારે સૌથી વધુ ગોલ્ડ મેડલ તેમણે જીત્યા હતા. કોમનવેલ્થનું પ્રતિનિધિત્વ કરનાર તે એકમાત્ર એથ્લીટ હોવા છતાં પેન્શનના મામલે તેની સાથે સાવકી મા જેવું વર્તન કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter