ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડિવાલાને ગુજરાતી ફિલ્મ ‘વશ’ માટે પહેલો નેશનલ એવોર્ડ મળ્યો છે. તેના દમદાર અભિનયને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ પરથી બનેલી હિન્દી રીમેક ‘શૈતાન’માં પણ એ રોલ માટે જાનકીને જ કાસ્ટ કરવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાતી ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળતાં જાનકી સાતમા આસમાનમાં વિહરી રહી છે. તેને મંગળવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. આ અંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જાનકીએ કહ્યું હતું, ‘આ બહુ જ મોટી વાત છે. હું શબ્દમાં વ્યકત કરી શકું તેમ નથી. છેલ્લાં બે દિવસથી મારું મગજ બસ ભવિષ્ય અને ભૂતકાળની યાદો વચ્ચે જાણે દોડી રહ્યું છે અને હું બસ મારા જીવનના આ સૌથી મોટા દિવસ વિશે જ વિચારી રહી છું.’ આ વાત કરતાં પણ જાનકી ભાવુક થઈ ગઈ હતી.
જાનકીને તેના પરિવાર અને સ્વજનોની હાજરીમાં એવોર્ડ મળતાં તેનો દિવસ યાદગાર બની ગયો હતો. તેણે જણાવ્યું, ‘મારા માતાપિતા, મારા સૌથી મોટા ચીઅરલીડર્સ છે, તેઓ મને એવોર્ડ મેળવતાં જોઈ શક્યા. મારી ‘વશ’ ફિલ્મની સમગ્ર ટીમ પણ બેસ્ટ રિજનલ ફિલ્મના એવોર્ડ માટે ત્યાં હાજર હતી. આ બધાંથી ઉપર મારા સૌથી ગમતા સુપરસ્ટાર શાહરુખ ખાન પોતે ત્યાં હાજર હતા અને તેમને પણ આ જ દિવસે, એ જ કાર્યક્રમમાં એવોર્ડ મળવાનો હતો. બસ મારા માટે તો એટલું જ પૂરતું હતું, જાણે એક પછી એક બધાં જ સપનાં જાણે પુરાં થઈ ગયા.’
આ અવોર્ડ સમારોહ માટે તૈયારી બાબતે જાનકીએ કહ્યું કે તેણે આગળના સમારોહની રીલ્સ જોઈ હતી અને આ એવોર્ડનો પ્રોટોકોલ અને ડ્રેસકોડ સમજવાની કોશિશ કરી હતી. જાનકીએ જણાવ્યું, ‘મેં ઘણું રિસર્ચ કર્યું કે, મારા સીનિયર્સ આ એવોર્ડ સેરેમની માટે કેવી રીતે તૈયાર થયાં હતાં અને કાર્યક્રમ કેવી રીતનો હોય છે.’ જાનકીએ એવોર્ડ સ્વીકારતી વખતે આઇવરી કલરનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો. તેણે એવોર્ડના આગળના દિવસે આ ડ્રેસ પહેરવાનું નક્કી કર્યું હતું.
દેશનો સૌથી મોટો એવોર્ડ સ્વીકારવાના પ્રેશર બાબતે જાનકી કહે છે, એ પ્રેશર જ તમને વિનમ્ર રાખે છે. જાનકી જણાવે છે, ‘જ્યારે એવોર્ડ જાહેર થયાં હતાં, ત્યારે પ્રાદેશિક કેટેગરીમાં એવોર્ડ જાહેર થયો તો અમારા માટે ઘણી મોટી વાત હતી, પરંતુ જ્યારે મારું નામ જાહેર થયું તો હું માની શકી નહીં. ઘણાં સમય સુધી મારા માટે આ વાત માનવામાં ન આવે એવું હતું. જ્યાં સુધી હું વિજ્ઞાન ભવનમાં એવોર્ડ લેવા ન પહોંચી ત્યાં સુધી મેં એવોર્ડ જીતી જવાની વાત મગજમાં જ ન આવવા દીધી. જેથી એવોર્ડનું કોઈ પ્રેશર ન આવે અને હું મારું કામ સારી રીતે કરતી રહી શકું.’