‘રાઈટિંગ વિથ ફાયર’ને ઓસ્કર નોમિનેશન

Monday 14th February 2022 11:15 EST
 
 

ઓસ્કર એવોર્ડ તરીકે જાણીતા અને દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંના એક એકેડમી એવોર્ડ ભારતની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'રાઈટિંગ વિથ ફાયર' નોમિનેટ થઈ છે. ૯૪મા એકેડમી એવોર્ડ માટે ભારતમાંથી દક્ષિણના સ્ટાર સૂર્યાની ‘જય ભીમ’ અને મોહનલાલની 'મરાક્કર' પણ મોકલાઈ હતી, પરંતુ તેને નોમિનેશન મળ્યું નથી. ઓસ્કરની ડોક્યુમેન્ટ્રી શ્રેણીમાં ‘રાઈટિંગ વિથ ધ ફાયર’એ સ્થાન મેળવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ટ્રેસી એલિસ રોસ અને લેસ્લિ જોર્ડને એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસના ટ્વીટર પેજ મારફત આ નોમિનેશન્સની જાહેરાત કરી હતી. એવોર્ડ સમારંભ ૨૭મી માર્ચે યોજાશે.
રિન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષ દ્વારા દિગ્દર્શિત ‘રાઈટિંગ વિથ ફાયર’ દલિત મહિલા દ્વારા ભારતમાં ચલાવાતા અખબાર ‘ખબર લહારિયા’ના ઉદ્ભવ પર આધારિત છે. સુષ્મિત ઘોષે જણાવ્યું હતું કે, આ ફિલ્મ નિર્ભય દલિત મહિલા પત્રકારો પર આધારિત છે, જેઓ આધુનિક ભારતીય મહિલાઓની કથા રજૂ કરે છે. ફિલ્મમાં મહિલા પત્રકારો જાતિ અને લિંગ આધારિત હિંસાના ભોગ બનેલાઓની પડખે ઊભી રહે છે અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાની તપાસ કરે છે તથા અન્યાય અને ધાકધમકીઓ સામે લડે છે. આ કેટેગરીમાં નોમિનેટ થયેલી અન્ય ફિલ્મોમાં 'એસેન્સન', 'એટ્ટિકા', 'ફ્લી', 'સમર ઓફ સોલ'નો સમાવેશ થાય છે.
૨૦૨૨ના એકેડમી એવોર્ડ્સની રેસમાં જેન કેમ્પિયનની સાઈકોલોજિકલ ડ્રામા 'ધ પાવર ઓફ ધ ડોગ' અગ્રેસર છે. આ ફિલ્મ સાથે ન્યૂઝીલેન્ડના જેન કેમ્પિયન બેસ્ટ ડિરેક્ટર કેટેગરીમાં બે વખત નોમિનેશન મેળવનાર સૌપ્રથમ મહિલા પણ બન્યાં છે. આ ફિલ્મ બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (ક્રિસ્ટન ડન્સ્ટ), સપોર્ટિંગ એક્ટર (જેસ્સે લેમન્સ, સ્મિટ મેકફી) કેટેગરીમાં પણ નોમિનેટ થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter