‘લગાન’ ફેમ જાવેદ ખાનનું નિધન

Thursday 23rd February 2023 12:01 EST
 
 

જાણીતા ફિલ્મ - ટીવી એક્ટર જાવેદ ખાન અમરોહીનું નિધન થયું છે. ‘લગાન’, ‘ચક દે ઇન્ડિયા’, ‘અંદાઝ અપના અપના’ જેવી દોઢસોથી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા જાવેદ ખાન 73 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી શ્વાસની સમસ્યાથી પીડાતા હતા અને એક વર્ષથી પથારીવશ હતા. છેલ્લે છેલ્લે બંને ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દેતાં તેમને નર્સિંગ હોમમાં દાખલ કરાયા હતા. 14 ફેબ્રુઆરીએ મોડી સાંજે ઓશિવિરા કબ્રસ્તાનમાં તેમને સુપુર્દ-એ-ખાક કરાયા હતા. જાવેદ ખાને ‘લગાન’ ફિલ્મમાં પાઘડીધારી ક્રિકેટ કોમેન્ટ્રેટરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં ભુવન (આમિર ખાન)ની ટીમ અંગ્રેજો સામે મેચ જીતે છે ત્યારે તેમણે કરેલો ઉદ્ઘોષ ‘હમ જીત ગયે...’ આજેય ભારતની કોઈ પણ મેચ વખતે મીમ સ્વરૂપે ફરી ફરીને સજીવન થતો રહે છે. તેઓ ‘નુક્કડ’ ટીવી સિરિયલ માટે પણ જાણીતા હતા. ‘નુક્કડ’ બાદ તેમને ગુલઝારની ‘મિર્ઝા ગાલિબ’માં ફકીરની ભૂમિકા ભજવવા તક મળી હતી. તો રાજ કપૂરની ‘સત્યમ શિવમ સુંદરમ્’, ‘વો સાત દિન’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘નાખુદા’, ‘પ્રેમરોગ’ વગેરેમાં નાની ભૂમિકાઓમાં પણ જોવા મળ્યા હતા.
જાવેદ ખાને બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ જેમ કે શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રિશી કપૂર, દેવ આનંદ, અનિલ કપૂર, નસિરુદ્દીન શાહ, સંજય દત્ત, રવિના ટંડન, જૂહી ચાવલા, કરિશ્મા કપૂર, શ્રીદેવી, પૂજા ભટ્ટ વગેરે સાથે કામ કર્યું હતું. તો મહેશ ભટ્ટ, ડેવિડ ધવન, આશુતોષ ગોવારિકર, સઇદ મિર્ઝા, ગુલઝાર, કુંદન શાહ જેવા સર્જકો સાથે પણ કામ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter