‘લાઇગર’નું શૂટિંગ શરૂ: શ્વાનના નામ પરથી ફિલ્મનું ટાઇટલ રખાયું

Tuesday 16th February 2021 05:29 EST
 
 

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાંડે હાલમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘લાઇગર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. કોરોનાને કારણે રહેણાક વિસ્તારમાં શૂટિંગની મંજૂરી ન મળી તેથી મેકર્સે શહેરમાં બનેલી પણ કોઈ રહેતું ન હોય એવી એક નિર્માણાધીન ડેમો બિલ્ડિંગનો સહારો લેવાનું નક્કી કર્યું હતું. અહેવાલો છે કે, ડેમો ફ્લેટમાં શૂટ કરવા માટે મેકર્સ રોજ રૂ. બે લાખ ભાડું આપી રહ્યા છે. આ સિવાય બિલ્ડરે મેકર્સ પાસેથી રૂ. ચાર લાખ ડિપોઝિટ પણ કરાવ્યા છે. જેથી ફ્લેટમાં કોઈ સંભવિત નુકસાન થાય તો ભરપાઈ જમા કરાવેલા પૈસામાંથી થઇ શકે. આ બિલ્ડિંગના ૧૩મા માળે બનેલા ડેમો ફ્લેટમાં ૧૧મી અને ૧૨મી ફેબ્રુઆરીએ માત્ર અનન્યા પાંડેએ શૂટિંગ કર્યું હતું. બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ૧૫૦ જુનિયર આર્ટિસ્ટે પણ શૂટ કર્યું હતું. અનન્યા બોલિવૂડમાં ઘણી પ્રખ્યાત બની ચૂકી હોવાથી તેના ચાહકો તે બિલ્ડિંગ નીચે ભેગા થઇ ગયા હતા. વિજય દેવરકોન્ડા ૧૩મી ફેબ્રુઆરીએ મુંબઈ પહોંચ્યો હતો. એ પછીથી તેનું શૂટ શરૂ થયું હતું.
ચાર્મી કૌરના ડોગીના નામે ટાઇટલ
ચર્ચા છે કે, આ ફિલ્મનાં નિર્માત્રી ચાર્મી કૌરના કહેવા પર કરણ જોહરે ફિલ્મનું ટાઇટલ ચેન્જ કર્યું છે. પહેલા ટાઇટલ ‘ફાઈટર’ હતું, પરંતુ પછીથી ફિલ્મનું નામ ‘ટાઇગર' રાખવાનું પણ વિચારાયું જોકે આ ટાઈટલ સલમાન ખાનની ફિલ્મ સાથે મળતું આવતું હતું. એવામાં ચાર્મી કૌરે ફિલ્મનું ટાઇટલ ‘લાઇગર' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો. ચાર્મીએ જણાવ્યું હતું કે, અમારા ડોગીનું નામ અમે ‘લાઈગર’ રાખ્યું છે. આ નામ તાકાત અને વફાદારીનું પ્રતીક છે. મેકર્સને તેનો વિચાર ગમ્યો ત્યારબાદ ફિલ્મનું ટાઇટલ ‘લાઇગર’ ફાઇનલ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter