સમગ્ર દેશ અને દુનિયામાં વખણાયેલી ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ દુનિયાના એક પછી એક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એવોર્ડ મેળવીને અનોખો રેકોર્ડ સર્જી રહી છે. ભારત તરફથી 95મા ઓસ્કાર એવોર્ડ માટે ઓફિશિયલ એન્ટ્રી બનેલી આ ફિલ્મે લોસ એન્જલસમાં યોજાયેલા એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલની આઠમી એડિશનમાં પણ ભારતનું નામ રોશન કર્યું છે. દેશ-વિદેશની અનેક ફિલ્મ વચ્ચે ડિરેક્ટર પાન નલિનની ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ને શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ફેસ્ટિવલનું સર્વોચ્ચ સ્નો લેપર્ડ સન્માન એનાયત કરાયું છે. પાન નલિન અને પ્રોડ્યુસર ધીર મોમાયાને ફેસ્ટિવલમાં ઉપસ્થિત મહાનુભાવોએ તાળીઓના ગળગળાટ સાથે વધાવી લીધા હતા.
એવોર્ડ સ્વીકારતાં પાન નલિને કહ્યું હતું કે, આ એવોર્ડ અમારી ફિલ્મ માટે ખૂબ સન્માનની વાત છે. અમે એકાંતમાં જે કઈ કર્યું તે વિશ્વભરમાં ગૂંજ્યું છે. ‘લાસ્ટ ફિલ્મ શો’ ફક્ત મનોરંજન માટે નથી. દરેકમાં રહેલા બાળકને બહાર લાવવાનો આ પ્રયાસ છે. અમારી ફિલ્મ એક અર્ધ-આત્મકથાત્મક વાર્તા છે. એશિયન દર્શકોના હૃદયમાં આ ફિલ્મે નવું ઘર શોધી લીધું છે. આગામી 20 જાન્યુઆરીએ અમારી ફિલ્મ જાપાનમાં રિલીઝ થઈ રહી છે અને તેની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. ત્યારબાદ, ફિલ્મ દક્ષિણ કોરિયામાં પણ રિલીઝ થશે. ફિલ્મને સન્માનિત કરવા બદલ અમે સૌ અનુભવી-પ્રતિષ્ઠિત જ્યુરીના આભારી છીએ.
નિર્માતા ધીર મોમાયાએ જણાવ્યું હતું કે, આ પુરસ્કાર યોગ્ય સમયે મળ્યો છે. અમે અત્યારે 95મા ઓસ્કાર એવોર્ડ માટે સ્ક્રીનિંગની તૈયારીમાં વ્યસ્ત છીએ. સતત વધી રહેલા મનોરંજન જગતના વ્યાપ વચ્ચે એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલને હોલિવૂડના કેન્દ્રમાં રાખવો એ ખરેખર એક ઉત્તમ સિદ્ધિ છે. ‘લાસ્ટ ફિલ્મ શો’ આગામી બીજી ડિસેમ્બરના રોજ અમેરિકન થિયેટર્સમાં પણ રિલીઝ થઈ રહી છે. આ સાથે જ, ગ્લોબલ ઓડિયન્સ આ ફિલ્મને 25 નવેમ્બરથી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પણ માણી શકશે.