‘શેરશાહ’ બેસ્ટ ફિલ્મ, વિકી કૌશલ બેસ્ટ એક્ટર, ક્રિતી સેનન બેસ્ટ એક્ટ્રેસ

Tuesday 07th June 2022 12:30 EDT
 
 

અબુધાબી ખાતે યોજાયેલા ૨૨મા ‘આઈફા’ (ઇન્ટરનેશનલ ઇંડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ)માં ‘શેરશાહ’ને બેસ્ટ ફિલ્મ જાહેર કરવામાં આવી છે. જોકે, તે બેસ્ટ એક્ટિંગના એવોર્ડ ચૂકી ગઈ છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ ‘સરદાર ઉધમસિંહ’ માટે વિકી કૌશલને મળ્યો છે જ્યારે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ ક્રિતી સેનનને ‘મિમિ’ માટે મળ્યો છે. વિકી કૌશલે પોતાનો એવોર્ડ દિવંગત અભિનેત ઈરફાન ખાનને અપર્ણ કર્યો હતો. વિકીએ કહ્યું હતું કે આ મારી જિંદગીનો બેસ્ટ એક્ટર તરીકેનો પહેલો એવોર્ડ છે અને હું તેને મારા આરાધ્ય અભિનેતાને અર્પણ કરવા માગું છું.
અબુધાબીના યસ આઈલેન્ડ ખાતે ઇતિહાદ અરેનામાં આઈફા એવોર્ડ સંબંધિત વિવિધ ઈવેન્ટ ત્રણ દિવસ માટે યોજાઈ હતી. શનિવારે મોડી રાતે બોલિવૂડના ટોચના સિતારાઓન હાજરીમાં એવોર્ડઝની જાહેરાત થઈ હતી. ‘શેરશાહ’ને કુલ પાંચ એવોર્ડ મળ્યા હતા. જેમાં શ્રેષ્ઠ ફિલ્મ ઉપરાંત દિગ્દર્શનનો એવોર્ડ વિષ્ણુવર્ધનને મળ્યો હતો. જોકે, તેણે બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ ‘અતરંગી રે...’ સાથે શેર કરવો પડયો હતો. બેસ્ટ પ્લેબેક સિંગર મેલ અને ફિમેલ બંને કેટેગરીના એવોર્ડ ‘શેરશાહ’ના સોંગ ‘રાતા લંબિયા લંબિયા...’ માટે જુબિન નૌતિયાલ અને અસીસ કૌરને ભાગે આવ્યા હતા. બેસ્ટ લિરિક્સનો એવોર્ડ ‘લહેરે દો’ માટે કૌસર મુનિરને મળ્યો હતો. અહાન શેટ્ટીને બેસ્ટ મેલ ડેબ્યૂનો એવોર્ડ પિતા સુનિલ શેટ્ટીના હસ્તે મળ્યો હતો. જ્યારે ‘બંટી ઓર બબલી-2’ માટે શર્વરી વાઘને બેસ્ટ ફિમેલ ડેબ્યૂનો એવોર્ડ મળ્યો હતો.
આ સમારોહમાં એક સાથે બે વર્ષની ફિલ્મોને એવોર્ડ અપાયા હતા. તે સંદર્ભમાં 2020માં રજૂ થયેલી ‘લૂડો’ માટે અનુરાગ બસુને બેસ્ટ ઓરિજનલ સ્ટોરીનો એવોર્ડ મળ્યો હતો. તેમણે આ એવોર્ડ કોરોનામાં ગયા વર્ષે મૃત્યુ પામેલા ફિલ્મના એડિટર અજય શર્માને અર્પણ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter