‘સન ઓફ સરદાર’ ફેમ મુકુલ દેવનું અવસાન

Tuesday 27th May 2025 07:06 EDT
 
 

‘સન ઓફ સરદાર’ ફેમ એક્ટર મુકુલ દેવનું 54 વર્ષની વયે નિધન થતાં બોલિવૂડમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. કેટલાક સમયથી તેઓ બીમાર હતા અને આઇસીયુમાં ભરતી હતા. ‘સન ઓફ સરદાર’માં મુકુલના સહકલાકાર અને ખાસ મિત્ર વિંદુ દારાસિંહે આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, અભિનેતાના માતા-પિતાનું અવસાન થયા પછી તેઓ એકલા રહેતા હતા. ઘરની બહાર પણ ઓછું નીકળતા હતા અને લોકોને ખાસ મળતા પણ નહોતા. થોડા દિવસ પહેલાં જ તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા હતા.’
મુકુલ તેમની પાછળ મોટા ભાઈ રાહુલ દેવ અને દીકરી સિયાને વિલાપ કરતા છોડી ગયા છે. મુકુલ એક સારા ગજાના કલાકાર હોવાથી સાથે એક ટ્રેઇન્ડ પાઇલટ પણ હતા. તેમણે ઉત્તર પ્રદેશની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડેમીમાંથી પ્લેન ઉડાડવાની તાલીમ લીધી હતી. મુકુલના નિધનના સમાચાર પ્રકાશમાં આવતા જ મનોજ બાજપેયી સહિતના કલાકારોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને મુકુલ સાથે સસ્મરણો વાગોળ્યા હતાં. મુકુલની નજીકના મિત્ર અને અભિનેત્રી દીપશિખા નાગપાલે સોશિયલ મીડિયા પર અભિનેતાની તસવીર શેર કરીને લખ્યું હતુંઃ મુકુલે તેની તબિયત વિશે કોઈ સાથે વાતચીત કરી નહોતી. પોતાના મિત્રોના વોટ્સએપ ગ્રૂપમાં અભિનેતા બધી વાત કરતા હતા.
મુકુલે 1996માં આવેલી ‘દસ્તક’ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેઓ ‘હિંમતવાલા’, ‘યમલા પગલા દીવાના’, ‘સન ઓફ સરદાર’, ‘જય હો’, ‘ભાગ જોની’ સહિતની ફિલ્મોમાં અભિનય આપી ચૂક્યા છે. મુકુલ માત્ર હિન્દી જ નહીં પણ બંગાળી, ગુજરાતી, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. છેલ્લે 2022માં ફિલ્મ ‘અંત ધ એન્ડ’માં મોટા પડદા પર જોવા મળ્યા હતા. ટીવી પર તેઓ સિરિયલ ‘21 સરફરોશ’માં ગુલ બાદશાહની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ટીવી સિરીઝ ‘ઘરવાલી-ઉપરવાલી’, ‘કુટુંબ’, ‘ભાભી’, ‘કુમકુમ’ વગેરેમાં પણ કામ કર્યું હતું. જ્યારે OTT પર તેઓ વેબસિરીઝ ‘સ્ટેટ ઓફ સીઝ: 26/11’માં જોવા મળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter