‘સરદારઃ ધ ગેમ ચેન્જર’ અખંડ ભારતના શિલ્પીની જીવનગાથા

Wednesday 20th March 2024 11:18 EDT
 
 

અખંડ ભારતના શિલ્પી અને વિચક્ષણ રાજપુરુષ સરદાર પટેલના જીવનકથન પર આધારિત મેગા ટીવી શો ‘સરદારઃ ધ ગેમ ચેન્જર’નું ડીડી નેશનલ પર પ્રસારણ શરૂ થયું છે. મુંબઇ સ્થિત જાણીતાં પત્રકાર ગીતા માણેકના પુસ્તક ‘સરદારઃ ધ ગેમ આધારિત અને રાજેશ બોકાડિયા દ્વારા નિર્મિત આ સિરિયલમાં ભારતની આઝાદીમાં અને રજવાડાંનાં એકીકરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર લોહપુરુષ સરદાર પટેલની જીવનસફર દર્શાવાઇ છે. દિગ્દર્શક દયાલ નિહલાની દિગ્દર્શિત સિરિયલમાં બળૂકા અભિનેતા રજિત કપૂરે સરદાર પટેલનું પાત્ર ભજવ્યું છે. જ્યારે મણિબહેન પટેલના પાત્રમાં રાજેશ્વરી સચદેવ, વી.પી. મેનન તરીકે રાકેશ ચતુર્વેદી ઓમ, ગાંધીજી તરીકે દીપક અંતાણી, પંડિત નેહરુ તરીકે સંજય, મોહમ્મદ અલી જિન્નાહ તરીકે રાજેશ ખેરા અને લોર્ડ માઉન્ટ બેટન તરીકે રિક મેકલીન ચમકે છે.
ટીવી સિરિયલમાં દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ભારતમાંથી બ્રિટિશરોની વિદાયની ઘોષણાથી લઇને, હિન્દુસ્તાનના ભાગલાનો બ્રિટિશરોનો કારસો, માઉન્ટબેટનની ભારતમાં વાઇસરોય તરીકેની ભૂમિકા અને 562થી વધુ રજવાડાંઓને એકીકરણમાં સરદાર પટેલના મહત્ત્વપૂર્ણ યોગદાનનો ઈતિહાસ રજૂ થયો છે. ગીતા માણેક સાથે આ સિરિયલનું સહલેખન પત્રકાર–લેખક આશુ પટેલ અને નાટ્યલેખક વિરલ રાચ્છે સંભાળ્યું છે. ગીતા માણેક કહે છે કે છેલ્લા સાત-આઠ વર્ષથી તેઓ સરદાર પટેલના જીવન–પ્રસંગો અંગે સંશોધન કાર્ય કરતાં રહ્યાં છે. આ તથ્યોના આધારે પુસ્તક લખાયું હતું અને હવે તેના પરથી ટીવી શો તૈયાર થયો છે. ટીવી શો માટેના સંશોધનમાં રાધિકા કારિયા અને ખુશાલી દવે સહાયક તરીકે જોડાયેલાં છે.
સિરિયલમાં સરદારની મુખ્ય ભૂમિકામાં ચમકતા રજિત કપૂરે આવી ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવવાનો અવસર મળ્યો તે બદલ આનંદ અને ગૌરવની લાગણી ોવ્યક્ત કરતાં કહ્યું હતું કે આવી ભૂમિકા સાથે અપાર જવાબદારી પણ આવતી હોય છે, જે નિભાવવાનો મેં પ્રામાણિક પ્રયત્ન કર્યો છે, અને કરતો રહીશ. સાથે સાથે જ તેમણે આવા અસાધારણ વિષયને ટીવી પરદે રજૂ કરવા સામે કેવા પડકારોનો સામનો કરવો પડતો હોય છે તેની વાત કરી હતી. બોલિવૂડમાં ફાસ્ટેટ 50 ફિલ્મ્સના નિર્માતા તરીકે પ્રખ્યાત કે. સી. બોકડિયાએ કહ્યું હતું કે ભારતના ઈતિહાસમાં સરદારનું અમીટ યોગદાન છે, તેમના પ્રદાનને અંજલિ આપવાનો આ પ્રયાસ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter