ભારતીય સંગીતચાહકો માટે એક આનંદના સમાચાર છે. મ્યુઝિક આલ્બમ ‘સાઉન્ડ્સ ઓફ કુંભ’ને 48મા ગ્રેમી એવોર્ડમાં બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ આલ્બમ મહાકુંભના ઉત્સવથી પ્રેરીત છે. ભારતીય સંગીતની આ એક મોટી સિદ્ધિ છે. આલ્બમને ગાયક-કમ્પોઝર સિદ્ધાંત ભાટિયા દ્વારા પ્રસ્તુત કરાયું છે, જેમાં કુલ 12 ગીત છે. તેમાં ભારત તથા વિદેશના લગભગ 50 કલાકારોએ ભાગ લીધો છે. આલ્બમમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલાં મહાકુંભની ભાવનાને દર્શાવવામાં આવી છે. આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 45 દિવસ માટે મહાકુંભ યોજાયો હતો તેમાં લાખોની સંખ્યામાં તીર્થયાત્રીઓએ ભાગ લીધો હતો. ‘સાઉન્ડ્સ ઓફ કુંભ’ આલ્બમમાં પ્રયાગરાજથી લાઇવ ફિલ્ડ રિપોર્ટિંગ કરાયું છે. તેમાં પ્રાચીન મંત્ર સામેલ કરાયા છે તો તેમાં બાઈનોરલ બિટ્સને પણ સામેલ કરાયા છે. આ આલ્બમને બનાવવા માટે સિદ્ધાંત ભાટિયાને જિમ કિમો વેસ્ટ, રાઘવ મેહતા, મૈડી દાસ, રૌન કોરબ, ચારુ સૂરી તથા દેવરાજ સન્યાલે પણ સહયોગ આપ્યો હતો. આ આલ્બમમાં વી સેલ્વગનેશ, રાજા કુમારી, આદિત્ય ગઢવી, કનિકા કપૂર, કલા રામનાથ, ભાનુમતી નરસિમ્હન, પ્રવિણ ડોગખિંડી, અજય પ્રસન્ના તથા કલ્યાણી નાયર જેવા કલાકારોએ યોગદાન આપ્યું છે. 68મો ગ્રેમી એવોર્ડ આગામી પહેલી ફેબ્રુઆરી, 2026ના રોજ લોસ એન્જલસની ક્રિપ્ટો કોમ એરિનામાં આયોજિત થશે.


